પુજા ભટ્ટ લઈને આવી રહી છે આ ફિલ્મ, જાણો કોની સાથે દેખાશે ફિલ્મમાં?

મહેશ ભટ્ટની પુત્રી અને નિર્માતા-દિગ્દર્શક પૂજા ભટ્ટ ફિલ્મમાં વાપસી કરી રહી છે. તેમણે આજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મના કલાકારોની જાહેરાત કરી. આ ફિલ્મ ભારતની પરંપરાગત કબૂતરબાજી પ્રથા પર આધારિત હશે.

પૂજા ભટ્ટે આજે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની નવી ફિલ્મની જાહેરાત કરી. તેણીએ ખુલાસો કર્યો કે આ ફિલ્મ ભારતની કબૂતરબાજી સંસ્કૃતિ પર આધારિત હશે. આ ફિલ્મમાં તે “પંચાયત” સીરિઝના કલાકારો સાથે જોવા મળશે.

પૂજા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર જિતેન્દ્ર કુમાર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, “બે શક્તિશાળી કલાકારો. એક ગહન વાર્તા. મને મારી આગામી ફિલ્મની જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે. આ ભારતની સદીઓ જૂની કબૂતરબાજી પરંપરા, કબુતરબાઝીની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી હૃદયસ્પર્શી વાર્તા છે.”

ફિલ્મની સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં પૂજા ભટ્ટ “પંચાયત” સીરિઝમાં અભિનય કરનાર જીતેન્દ્ર કુમાર સાથે જોવા મળશે. પૂજા ભટ્ટ માતાની ભૂમિકા ભજવશે, જ્યારે જીતેન્દ્ર તેમના પુત્રની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ખ્યાતિ મદન દ્વારા નિર્મિત છે અને હિતેશ કેવલ્યા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બિલાલ હસન દ્વારા લખાયેલ છે અને દિગ્દર્શન પણ તેમના દ્વારા કરવામાં આવશે.

જિતેન્દ્ર કુમાર તાજેતરમાં “પંચાયત” સીરિઝની ત્રીજી સીઝનમાં જોવા મળ્યા હતા. જિતેન્દ્ર ટીવીએફ પિચર્સમાં જીતુ,”કોટા ફેક્ટરી”માં જીતુ ભૈયા અને “પંચાયત”માં અભિષેક ત્રિપાઠીની ભૂમિકાઓ માટે જાણીતા છે. જિતેન્દ્રએ “શુભ મંગલ ઝ્યાદા સાવધાન”, “જાદુગર” અને “ડ્રાય ડે” જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. હવે, તે પૂજા ભટ્ટ સાથેની ફિલ્મમાં જોવા મળશે.

એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જીતેન્દ્રએ ખુલાસો કર્યો કે તેમને ક્રિકેટ ખૂબ ગમે છે. તેમણે કહ્યું, મને વિરાટ કોહલીની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી લાગે છે. જો મને ક્યારેય તક મળશે, તો હું ચોક્કસપણે તેમની બાયોપિક કરવા માંગીશ.