બેંગલુરુઃ આ વર્ષે કર્ણાટકનો સંસ્કૃતિ, કલા અને સાંસ્કૃતિક ઓળખનો ઉત્સવ રાજકીય તોફાનમાં ફેરવાઈ ગયો છે. વિશ્વપ્રસિદ્ધ મૈસુરુ દશેરાના ઉદ્ઘાટન માટે સિદ્ધારમૈયાની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે લીધેલા નિર્ણયને ભાજપે જરાય સ્વીકાર્યો નથી. CM સિદ્ધારમૈયાએ 22 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે ‘આ વર્ષે પોતાની પુસ્તક હાર્ટ લેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારી હસનની લેખિકા, વકીલ અને કાર્યકર બાનુ મુશ્તાક આ ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કર્ણાટકની લેખિકાને બુકર પુરસ્કાર મળવો રાજ્ય માટે ગૌરવની બાબત છે અને આવી પ્રતિષ્ઠિત મહિલાનું દશેરા ઉત્સવનું ઉદઘાટન કરવું ઐતિહાસિક સિદ્ધિ છે.
ત્યાર બાદ મુશ્તાકે આ આમંત્રણને નમ્રતા સાથે સ્વીકાર્યું અને દશેરા ઉત્સવને સૌનો તહેવાર ગણાવ્યો હતો. તેમણે આ ઉત્સવ સાથેના પોતાના ઊંડા સાંસ્કૃતિક સંબંધ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દેવી ચામુંડેશ્વરીને ‘માતા’ કહેવું અને તહેવારને ‘નાડ હબ્બા’ કહેવું, બન્ને કર્ણાટકની સંસ્કૃતિના અભિન્ન અંગ છે, જેને તેઓ અન્ય કોઈની જેમ જ મહત્ત્વ આપે છે.મૈસુરના ભૂતપૂર્વ સાંસદ પ્રતિપ સિંહા, સાંસદ તેજસ્વી સૂર્યા અને શોભા કરંદલાજે સાથે ભાજપના રાજ્ય અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રે સરકારની પસંદગી પર તરત જ વાંધો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, બરતરફ કરાયેલા ભાજપના વિધાનસભ્ય બસરગૌડા પાટીલ યત્નાલે પણ માગ કરી હતી કે મુશ્તાક સ્પષ્ટ કરે કે શું તેઓ હજુ પણ ઇસ્લામનું પાલન કરશે કે હવે તેઓ માને છે કે બધા રસ્તાઓ મોક્ષ તરફ જ જાય છે?
