સાણંદમાં હાઈ-પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડાઃ 81ની અટકાયત

અમદાવાદઃ રાજ્યના સાણંદમાં પોલીસે બુધવારે રાત્રે એક હાઈ-પ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા પાડી 81 લોકોને કસ્ટડીમાં લીધા છે. આ પાર્ટી સાણંદ-નલસરોવર રોડ પર આવેલા એક વીકએન્ડ હોમમાં ચાલી રહી હતી. નિર્વાણ ગ્રીન્સ યોજાયેલી આ હાઈ-પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી પર દરોડામાં 43 પુરુષ અને 38 મહિલાઓ સહિત કુલ 81 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ પાર્ટી આદર્શ અગ્રવાલ નામની વ્યક્તિની 25મી લગ્નવર્ષ ગાંઠની નિમિત્તે રાખવામાં આવી હતી, જેમાં અમદાવાદના બિલ્ડરો, વેપારીઓ અને ડોક્ટરો સહિત ઘણા મહેમાનો હાજર હતા.

પોલીસના જણાવ્યાનુસાર પ્રાઇવેટ સ્થળે 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ ગોઠવવામાં આવ્યા હતા. ગુપ્ત માહિતીને આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો, જેમાં દારૂ, હુક્કા સામાન અને BMW તથા Audi જેવી 20થી વધુ લક્ઝરી કારો જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા માલસામાનની કુલ કિંમત અંદાજે રૂ. 2.91 કરોડ ગણાવવામાં આવી રહી છે.

કસ્ટડીમાં લેવાયેલા લોકોનો મેડિકલ ટેસ્ટ કરાવાયો

કસ્ટડીમાં લેવાયેલા તમામ લોકોને સાણંદ પોલીસ સ્ટેશન લઈ જવાયા અને ત્યાર બાદ મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા. હાલમાં તમામ લોકોની મેડિકલ તપાસ ચાલી રહી છે અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ મોટા ભાગના આરોપીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે. પોલીસે જણાવ્યું હતું કે સાણંદ વિસ્તારમાં પ્રાઇવેટ દારૂ-હુક્કા પાર્ટીઓના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નિયમોના ઉલ્લંઘન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

છ મહિના પહેલાં પણ મોટી દારૂ પાર્ટી પર કાર્યવાહી

છ મહિના પહેલાં સાણંદના ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં એક જાણીતા બિલ્ડર/રિયલ એસ્ટેટ વ્યવસાયી પ્રતીક સંઘવીના જન્મદિવસની પાર્ટી યોજાઈ હતી. ત્યારે પણ પોલીસે રાત્રે દરોડો પાડી 39 લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં 13 પુરુષોને ધરપકડ કરવામાં આવી હતી અને 26 મહિલાઓને નોટિસ મોકલવામાં આવી હતી. સ્થળ પરથી 11 દારૂની બોટલો અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.