સીઝફાયરથી ઇનકાર કરતાં ટ્રમ્પે કહ્યું, ઈરાન સામે કાર્યવાહી ચાલુ રહેશે

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધવિરામ (સીઝફાયર)ના પક્ષમાં નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે સૈન્ય કાર્યવાહી આગળ પણ ચાલુ રહી શકે છે. તેમણે કહ્યું હતું કે વાતચીત શક્ય છે, પરંતુ લડાઈ રોકવાની સંભાવનાને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું કે જુઓ, આપણે વાતચીત કરી શકીએ છીએ, પરંતુ હું સીઝફાયર ઇચ્છતો નથી. તમે જાણો છો કે જ્યારે તમે સામા પક્ષને સંપૂર્ણ રીતે હરાવી રહ્યા હો, ત્યારે સીઝફાયર કરવામાં આવતું નથી.

હોર્મુઝ જળસંધિની સ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી સુરક્ષિત અવરજવર સમય જતાં પોતે જ ફરી શરૂ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે સહભાગિતા મદદરૂપ સાબિત થઈ શકે છે અને ચીન જેવા દેશો આ સંકટ ઉકેલવામાં ભૂમિકા ભજવે તો સારું રહેશે.

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ચીન અને જાપાન સહિત વૈશ્વિક શક્તિઓ વિસ્તારમાં સ્થિરતા જાળવવામાં મદદ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઘણી મદદની જરૂર છે અને સમુદ્રી માર્ગોને સુરક્ષિત રાખવા અત્યંત જરૂરી છે, કારણ કે હાલમાં અવરોધો યથાવત્ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સંઘર્ષમાં ઇઝરાયેલની ભૂમિકા અંગે પણ વાત કરી અને સંકેત આપ્યો કે જ્યારે અમેરિકા પોતાનું લક્ષ્ય હાંસલ કરી લેશે, ત્યારે લડાઈની તીવ્રતા ઘટી શકે છે.

ટ્રમ્પે બ્રિટનની ટીકા કરી

આ ઉપરાંત ટ્રમ્પે બ્રિટનની ટીકા કરતાં કહ્યું હતું કે અમેરિકન અભિયાનોને સમર્થન આપવા માટે તેને “ઝડપી કાર્યવાહી” કરવી જોઈતી હતી. ખાસ કરીને તે અહેવાલો પછી જેમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટને ઇરાની મિસાઇલ ઠેકાણાઓ પર હુમલા માટે પોતાનાં સૈન્ય ઠેકાણાઓના ઉપયોગને મંજૂરી આપી હતી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે તે જ્યારે ઇચ્છે ત્યારે ખાર્ગ દ્વીપ પર કબજો કરી શકે છે. આ નિવેદન તે અહેવાલો પછી આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન આ મહત્વપૂર્ણ ઓઇલ સંગ્રહ કેન્દ્ર પર કબજો કરવાની અથવા તેની નાકાબંધી કરવાની યોજનાઓ પર વિચાર કરી રહ્યું છે.