મુર્શિદાબાદ હિંસા સંદર્ભે પોલીસે 200 લોકોની ધરપકડ કરી

કોલકાતાઃ બંગાળમાં વકફ બિલના વિરોધમાં વણસેલી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાના અભાવે માનવતા મરી રહી છે. પશ્ચિમ બંગાળમાં 400થી વધુ હિન્દુઓએ પલાયન કર્યું છે.  મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અને આગ લગાડવા સંબંધમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ વિસ્તારમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પોલીસ અને કેન્દ્રીય દળોએ જણાવ્યું છે કે શાંતિ જળવાઈ રહે તે માટે તેઓ હાલમાં સક્રિય રીતે રૂટ માર્ચ કરી રહ્યા છે.

રાજ્ય પોલીસે કાયદો અને વ્યવસ્થાના વધારાના મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે. તેમણે પત્રકાર પરિષદમાં પુષ્ટિ કરી હતી કે 200થી વધુ લોકોને ધરપકડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું  કે શુક્રવાર બાદ જે કંઈ બન્યું તે આપણે સૌએ જોયું. કોઈ પણ રાજ્યમાં સાંપ્રદાયિક દંગલ થાય છે ત્યારે સ્થિતિને શાંત કરવામાં થોડો સમય લાગે છે. તેમ છતાં અહીં પરિસ્થિતિ ઘણી બધી સુધરી છે અને તેનું શ્રેય માત્ર પોલીસને જ નહીં પણ પત્રકાર મિત્રો, સોશિયલ મિડિયા અને સામાન્ય લોકો – જેમણે જવાબદારીપૂર્વક વર્તન કર્યું છે – તેમને પણ જાય છે, એમ તેમણે કહ્યું હતું.

પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય બનતી જઈ રહી છે, દુકાનો ફરીથી ખૂલવા લાગી છે અને સ્થળ છોડી ગયેલા પરિવારો પાછા ફરી રહ્યા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું હતું  કે દુકાનો ખૂલવા લાગી છે અને લોકો પાછા આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 પરિવારો તેમનાં ઘરોમાં પાછા ફર્યા છે. માલદા અને મુર્શિદાબાદ – બંને જિલ્લાના વહીવટી તંત્ર સ્થળ છોડી ગયેલા લોકોની સલામત વાપસી સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કાર્ય કરી રહ્યું છે.