નકલી મતદારોના ‘બૂસ્ટર ડોઝ’થી જીત્યા હતા PM મોદીઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં નકલી મતદારોના બુસ્ટર ડોઝથી જીત્યા હતા. ભાજપે છ લોકસભા વિસ્તારોની મતદાર યાદીઓના આંકડા રજૂ કરીને સાબિત કરી દીધું કે તેની અને ચૂંટણી પંચની સાઠગાંઠ છે, એમ કોંગ્રેસ કહે છે. કોંગ્રેસ પાર્ટીના મિડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાએ એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધી વોટ ચોરીનો ખુલાસો કરે છે તે પછી થોડા જ સમય બાદ ચૂંટણી પંચે નોટિસ આપીને સોગંદનામું માગ્યું, પરંતુ ભાજપના નેતા અનુરાગ ઠાકુરના પ્રેસ કોન્ફરન્સને 24 કલાક વીતી ગયા હોવા છતાં તેમને નોટિસ કેમ ન આપી?

શું હવે 2024ની લોકસભા ચૂંટણી રદ ન થવી જોઈએ?

પવન ખેડાએ વધુમાં કહ્યું હતું કે નકલી મતદાર યાદીની વાત સાબિત થઈ ગયા પછી શું હવે 2024ની લોકસભા ચૂંટણી રદ ન થવી જોઈએ? ભાજપે બુધવારે રાયબરેલી, વાયનાડ, ડાયમન્ડ હાર્બર અને કન્નૌજ લોકસભા સીટ પર મતદાર નોંધણીમાં ગેરરીતિઓના આક્ષેપ લગાવ્યા હતા અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અભિષેક બેનર્જી અને અખિલેશ યાદવને લોકસભાની સભ્યપદેથી રાજીનામું આપવા માગ કરી હતી.

ખેડાએ કહ્યું હતું કે સાત ઓગસ્ટે સૌએ જોયું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરીનું સત્ય બહાર લાવ્યા. આ ખુલાસાથી ભાજપના લોકો છ દિવસ સુધી આઘાતમાં રહ્યા, પછી અનુરાગ ઠાકુરને પ્રેસ કરવા મોકલ્યા, પરંતુ તેમના આ પગલાથી ચૂંટણી પંચની ભૂમિકા વધુ ગંભીર બની ગઈ છે. તેમણે કહ્યું હતું કે ભાજપે પોતાના છ લોકસભા વિસ્તારોના આંકડા આપ્યા અને આ ક્ષેત્રોમાં નકલી મતદારો છે અને મતદાર યાદીમાં ગડબડ છે, તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.

પવન ખેડાએ સવાલ કર્યો હતો કે તેમને આ આંકડા એટલા ઝડપથી કેવી રીતે મળી ગયા અને જ્યારે ચૂંટણી પંચ પાસે ઇલેક્ટ્રોનિક મતદાર યાદી છે, ત્યારે તે યાદી કોંગ્રેસને કેમ આપવામાં આવતી નથી? પવન ખેડાએ દાવો કર્યો, “આથી સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ પાસે ઇલેક્ટ્રોનિક મતદાર યાદી છે, પરંતુ તે જનતા અને વિપક્ષને આપવી નથી ઇચ્છતું.