સાઇપ્રસમાં PM મોદીને મળ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

લિમાસોલ (સાઇપ્રસ): સાઇપ્રસની ધરતી પરથી PM મોદીએ ફરી વિશ્વને ભારતની વધી રહેલી શક્તિનો અનુભવ કરાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાઇપ્રસના લિમાસોલ શહેરમાં યોજાયેલા એક વ્યાવસાયિક ગોળમેજ સંમેલનમાં જણાવ્યું હતું કે  ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટા અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સંમેલન સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલાઈડિસની હાજરીમાં યોજાયું હતું. આ દરમિયાન સાઇપ્રસના રાષ્ટ્રપતિએ PM મોદીને “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ ત્રીજા” જેવો દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું.

પીએમ મોદીને અત્યાર સુધી મળ્યા 23 આંતરરાષ્ટ્રીય સન્માન

2014 પછી વડા પ્રધાન બન્યા પછીથી નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં કુલ 23 દેશોના સર્વોચ્ચ સન્માન મળ્યા છે. આ સન્માન તેમના નેતૃત્વ, વૈશ્વિક કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં આપેલા યોગદાનની ઓળખ આપે છે. આ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને મોદીની વિદેશ નીતિના પ્રભાવનું પ્રમાણ છે.

મોદીને મળેલા કેટલાક મુખ્ય સન્માનોની યાદી:

  • સાઇપ્રસ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III (2025)
  • શ્રીલંકા – મિત્ર ભૂષણ (2025)
  • કુવૈત – ઓર્ડર ઓફ મુબારક અલ કબીર (2024)
  • મોરિશિયસ – ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન (2025)
  • ડોમિનિકા – ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર (2024)
  • બાર્બાડોસ – ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ (2025)
  • નાઈજિરિયા – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર (2024)
  • માલદીવ – ઓર્ડર ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન (2019)
  • ભૂતાન – ઓર્ડર ઓફ ધ દ્રુક ગ્યાલ્પો (2021)
  • અમેરિકા – લીજન ઓફ મેરિટ (2020)
  • ફ્રાન્સ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (2023)
  • યુએઈ – ઓર્ડર ઓફ ઝાયેદ (2019)
  • યૂએન – ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ (2018) વગેરે.

સાઇપ્રસ સાથે સહયોગ વધારવાની સંભાવનાઓ

મોદીએ બંને દેશો વચ્ચે વેપાર, મૂડીરોકાણ, ડિજિટલ પેમેન્ટ, ટુરિઝમ, લોજિસ્ટિક્સ અને સ્ટાર્ટઅપ જેવાં ક્ષેત્રોમાં વધુ સહયોગની શક્યતાઓ જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના 50 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ભારતમાં થાય છે, જેનું શ્રેય UPIને જાય છે. આ સંદર્ભમાં NPCI International અને યુરોબેંક સાઇપ્રસ વચ્ચે સીમા-પાર ચુકવણી માટે કરાર થયો છે.

23 વર્ષ બાદ ભારતીય પીએમ સાઇપ્રસ ગયા

મોદીએ કહ્યું કે 23 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પીએમ સાઇપ્રસ આવ્યા છે, અને પ્રથમ કાર્યક્રમ બિઝનેસ રાઉન્ડટેબલ હતો, જે બંને દેશોના આર્થિક સંબંધોની મહત્તા દર્શાવે છે.