અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત ‘નેચર ક્લબ ઈકો લાઈફ’ દ્વારા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવા માટેના ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. જે અંતર્ગત, સોમવારે 8 એપ્રિલ 2024ના રોજ ખાસ ‘પ્લાસ્ટિક મુક્ત ગુજરાત સાયન્સ સિટી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે. બી. વદરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.અભિયાનમાં સાયન્સ સિટીના તમામ અધિકારીઓ-કર્મચારીઓ સહિત હાઉસ કીપિંગ ટીમ, ગાર્ડનિંગ ટીમ, સિક્યુરિટી ટીમ, ફાયર વિભાગની ટીમ જોડાઈ હતી. એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક, હોલ ઓફ સ્પેસ-સાયન્સ, લાઈફ સાયન્સ પાર્ક સહિતની વિવિધ ગેલેરીઓ, પાર્કિંગ તેમજ સમગ્ર સાયન્સ સિટી કેમ્પસ ખાતે પડેલા પ્લાસ્ટિક વેસ્ટને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.