અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના, પેન્સિલવેનિયાના લેન્કેસ્ટર કાઉન્ટીમાં પ્લેન ક્રેશ થયું

અમેરિકા: ફરી એક વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ વખતે અકસ્માત પેન્સિલવેનિયામાં થયો. વિમાનમાં 5 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં બધાને ગંભીર ઈજાઓ થઈ હોવાનું કહેવાય છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, આગની ઝપેટમાં આવવા છતાં, પાંચેય મુસાફરો બચી ગયા, જો કે તેમની સ્થિતિ હજુ સુધી જાણી શકાઈ નથી. વિમાનમાં સવાર બધાને સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અનેક વાહનો નાશ પામ્યા હતા, પરંતુ જમીન પર કોઈને ઈજા થઈ ન હતી. આ અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ ફિલાડેલ્ફિયાથી લગભગ 75 માઈલ (120 કિમી) પશ્ચિમમાં મેનહેમ ટાઉનશીપમાં થયો હતો.

મળતી માહિતી મુજબ પેન્સિલવેનિયાના લેન્કેસ્ટર કાઉન્ટીમાં એક રિટાર્યમેન્ટ હોમના પાર્કિંગમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું. મેનહાઇમ ટાઉનશીપ ફાયર ચીફ સ્કોટ લિટલે જણાવ્યું હતું કે સિંગલ-એન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા વિમાન બપોરે 3:18 વાગ્યે મેનહાઇમ ટાઉનશીપમાં બ્રધરેન વિલેજ રિટાર્યમેન્ટ હોમની મિલકત પર ક્રેશ થયું હતું.

બીક્રાફ્ટ બોનાન્ઝા વિમાને ક્રેશ પહેલા સમસ્યાઓની જાણ કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલ રેકોર્ડિંગમાં પાઇલટે “ખુલ્લો દરવાજો” હોવાનો અને લેન્ડિંગ માટે પાછા ફરવાની વિનંતી કરતો મસેજ રેકોર્ડ કર્યો હતો. કંટ્રોલરે પ્લેનને લેન્ડિંગ માટે મંજૂરી આપી પરંતુ પછી તાત્કાલિક સૂચના આપી, “ઉપર ખેંચો!” થોડીવાર પછી, પ્લેન ક્રેશ થયું. ફ્લાઇટ અવેરના જણાવ્યા અનુસાર, પ્લેન ક્રેશ સ્થળની ઉત્તરે લેન્કેસ્ટર એરપોર્ટથી ઉડાન ભરવાનું હતું અને સ્પ્રિંગફીલ્ડ, ઓહિયો જઈ રહ્યું હતું.