સુરત: ડોક્ટરની લાઇફ સતત કામથી ભરેલી હોય છે. ઘણીવાર પોતાના માટે પોતાના પરિવાર માટે પણ સમય મળતો નથી. આવા સંજોગોમાં ડોક્ટરના મનોરંજન માટે ડોક્ટર ગ્રુપ દ્વારા જ સુરતમાં કેટલીક સંસ્થાઓ બની છે. જેમાં મનોરંજનના કાર્યક્રમો સાથે સામાજિક કાર્યો પણ થતા હોય છે. એક એવું જ ડોક્ટરનું ગ્રુપ એટલે, સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિયેશન.આ તબીબોના એસોસિએશન દ્વારા ફોટોગ્રાફી વર્કશોપ યોજાયો હતો. રવિવારની વહેલી સવારે સુરતના રળિયામણા ડુમસ દરિયા કિનારા નજીક એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં આ વર્કશોપ યોજાયો હતો. જેમાં તજગ્ન દ્વારા ફોટોગ્રાફી વિશે જીણવટ ભરી માહિતી આપવામાં આવી હતી.
ફોટો કેમ પાડવો?, લાઈટ સેટિંગ, લેન્સ, સ્કેનર, મેગા પિક્સલ દરેક બાબતે તબીબોએ રસપૂર્વક માહિતી મેળવી હતી. હાલમાં ઓન ડિમાન્ડ મીરર લેસ કેમેરા વિશે પણ માહિતી મેળવી હતી. દોઢ કલાકના આ સેશન બાદ તબીબોએ આસપાસના વિસ્તારમાં ફોટોગ્રાફી કરવાનો આનંદ પણ લીધો હતો.
એસોસિએશનના પ્રમુખ અને કાર્યક્રમનાં આયોજક ડૉ. પરેશ કોઠારી ચિત્રલેખા.કોમને કહે છે, ‘કામના ભારણના કારણે તબીબોની લાઇફ કેટલીક વાર સ્ટ્રેસફુલ હોય છે. અમે ગીત સંગીત, નાટક, ફિલ્મ જેવા કાર્યક્રમો સાથે નવું જાણવા શીખવા મળે એવા આશયથી વિવિધ પ્રકારના વર્કશોપ પણ કરીએ છીએ. આ ફોટો ગ્રાફી વર્કશોપ પણ એના ભાગ રૂપે થયો હતો.’
ગ્રુપમાં ઘણા ડોક્ટર એવા છે જેમની પાસે કેમેરા છે પણ હવે આ વર્કશોપ થી નોલેજ મેળવીને એ વધુ સારી રીતે પોતાના શોખને કેળવશે. વર્કશોપ બાદ પ્રકૃતિના શીતળ છાંયડામાં નાસ્તો કરીને સૌ છુટા પડ્યા હતા.
(અરવિંદ ગોંડલિયા – સુરત)
