PM મોદીનો આરોપ- ‘પરિવાર’ના ફોન પર હજારો કરોડની લોન અપાઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા 70,000 થી વધુ નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને પાર્ટી પર ફોન બેંકિંગ કૌભાંડનો આરોપ પણ લગાવ્યો. તેમણે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકારી કર્મચારી તરીકે યોગદાન આપવું એ ગૌરવની વાત છે. ભારતની જનતાએ દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો છે. આવનારા 25 વર્ષ ભારત માટે નિર્ણાયક છે.

 

 

નાની બેંકોનું વિલીનીકરણ કરીને મોટી બેંકની સ્થાપના

પીએમ મોદીએ કહ્યું કે ફોન બેન્કિંગ કૌભાંડે બેન્કિંગ ક્ષેત્રની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં અમે બેંકિંગ સેક્ટરને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું. અમે દેશની જાહેર ક્ષેત્રની બેંકોના સંચાલનને મજબૂત બનાવ્યું છે. નાની બેંકોને એક મોટી બેંકમાં મર્જ કરવામાં આવી હતી. સરકારે નાદારી સંહિતા લાગુ કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ પણ બેંક બંધ થાય તો તેને ઓછું નુકસાન થાય.

 

કોંગ્રેસ પર ફોન બેંકિંગ કૌભાંડનો આરોપ

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોબ ફેરને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હાલમાં ભારતનું બેન્કિંગ સેક્ટર વિશ્વમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. નવ વર્ષ પહેલા સુધી આ સ્થિતિ નહોતી. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અગાઉની સરકારમાં બેંકિંગ સેક્ટરમાં ભારે તબાહી થઈ હતી. તેમણે કહ્યું કે આજે આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા સક્ષમ છીએ, પરંતુ નવ વર્ષ પહેલા સુધી 140 કરોડની વસ્તીમાં મોબાઈલ બેન્કિંગ નહોતું. કોંગ્રેસ પર આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો પાછલી સરકારની નજીક હતા તેમને એક ફોન પર બેંકોમાંથી હજારો કરોડની લોન આપવામાં આવી હતી, જે આજ સુધી ચૂકવવામાં આવી નથી. આ ફોન બેંકિંગ કૌભાંડ અગાઉની સરકારમાં અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડોમાંનું એક હતું.

કિરેન રિજિજુએ પીએમ મોદીના વખાણ કર્યા

પીએમ મોદીની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે જોબ ફેર 10 લાખ સરકારી નોકરીઓનું સર્જન કરવા અને લાયકાત ધરાવતા લોકોને સંબંધિત પદો પર નિયુક્ત કરવાના પીએમ મોદીના વચનનો એક ભાગ છે. અમે તેને માત્ર નોકરી નહીં પરંતુ રાષ્ટ્રની સેવા માનીએ છીએ.