પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરમાં તોડફોડ, આરોપીની ધરપકડ, પરિસ્થિતિ તંગ

પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશના હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી છે. જ્યાં બ્રાહ્મણબારિયા જિલ્લામાં એક 36 વર્ષીય વ્યક્તિએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. ઘટના ગુરુવાર રાતની છે. આ ઘટના બાદ હિન્દુ સમુદાયના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના નિયામતપુર ગામની છે જ્યાં સ્થિત દુર્ગા મંદિરને નુકસાન થયું છે. આરોપીની ઓળખ ખલીલ મિયા તરીકે થઈ છે. જેની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તોડફોડના સમાચાર ફેલાતા જ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.

હિન્દુ સમુદાય રોષે ભરાયો 

બ્રાહ્મણબારિયાના પોલીસ અધિક્ષક, મોહમ્મદ શકાવત હુસૈને ખલીલ મિયાની ધરપકડની પુષ્ટિ કરી હતી, પરંતુ આરોપીઓએ આ ઘટના શા માટે અંજામ આપ્યો તે પોલીસ હજુ સુધી જાહેર કરી શકી નથી. પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, પોલીસ હજુ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે આવું નિંદનીય કૃત્ય શા માટે કર્યું. નિયામતપુર સર્વજનીન દુર્ગા મંદિરના પ્રમુખ જગદીશ દાસના જણાવ્યા અનુસાર, અચાનક કરવામાં આવેલી તોડફોડથી સ્થાનિક હિંદુ સમુદાયના સભ્યોમાં ગુસ્સો અને નારાજગી ફેલાઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ખલીલ મિયા નિયામતપુર ગામમાં તેની બહેનના ઘરે મળવા આવ્યો હતો ત્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, આરોપીઓએ દુર્ગા મંદિરની અંદરની પાંચથી છ મૂર્તિઓ તોડી નાખી હતી.

આવી જ ઘટના ફેબ્રુઆરીમાં પણ બની હતી

આ કેસમાં જગદીશ દાસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને સ્પીડી ટ્રાયલ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે અને ખાતરી આપી છે કે આરોપીઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ, આ પ્રકારનો કિસ્સો બાંગ્લાદેશમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં જોવા મળ્યો હતો, જ્યારે અજાણ્યા લોકોએ ઠાકુરગાંવના ઉત્તરી જિલ્લાના બલિયાદંગી ઉપજિલ્લા હેઠળના 12 હિન્દુ મંદિરોમાં 14 મૂર્તિઓ તોડી નાખી હતી.