અમારી ઈન્ડસ્ટ્રીમાં લોકો બીજાઓની નિષ્ફળતા પર ખુશ થાય છે: ફરાહ ખાન

ફરાહ ખાન એક કોરિયોગ્રાફર, દિગ્દર્શક અને કન્ટેન્ટ ક્રિએટર પણ છે. તે યુટ્યુબ પર કુકિંગ વ્લોગ ચેનલ ચલાવે છે, સેલિબ્રિટીના ઘરોની મુલાકાત લે છે અને તેમની સાથે વાતચીત કરે છે. તાજેતરમાં જ ફરાહ જેકી ભગનાની અને રકુલ પ્રીતને મળી હતી. આ દરમિયાન ફરાહે તેની એક ફ્લોપ ફિલ્મનો ઉલ્લેખ કર્યો, જેની નિષ્ફળતાથી બોલિવૂડના ઘણા લોકો ખુશ થયા એવું ફરાહ ખાને કહ્યું હતું.

ફરાહ ખાન જેકી ભગનાની અને રકુલ પ્રીતના ઘરે તેના રસોઈ યુટ્યુબ ચેનલ માટે પહોંચી હતી. રસોઈ ઉપરાંત તેઓએ કારકિર્દી અને ફિલ્મો વિશે પણ વાત કરી. આ વાતચીતમાં જેકીએ કહ્યું કે જ્યારે તેના દ્વારા નિર્મિત ફિલ્મ ‘બેલબોટમ’ ફ્લોપ થઈ ત્યારે લોકોએ ખૂબ જ ખરાબ ટિપ્પણીઓ કરી હતી. આ પર ફરાહ ખાનને એ પણ યાદ આવ્યું કે તેની સાથે પણ આવું જ બન્યું હતું.

આ ફિલ્મ ફ્લોપ થઈ ત્યારે બોલિવૂડના લોકો ખુશ હતા

ફરાહ ખાન કહે છે કે 2010 માં ‘તીસ માર ખાન’ ફિલ્મ નિષ્ફળ ગઈ ત્યારે બોલિવૂડમાં ઘણા લોકો ખુશ હતા. તેણીએ કહ્યુ કે,’આપણી ઇન્ડસ્ટ્રીમાં લોકો પોતાની સફળતા કરતાં બીજાની નિષ્ફળતા પર વધુ ખુશ થાય છે. મને યાદ છે, જ્યારે ‘તીસ માર ખાન’ ફિલ્મ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, ત્યારે બોલિવૂડમાં ઉજવણીનો માહોલ હતો. મેં જે લોકો સાથે કામ કર્યું છે, તેમનું વલણ હતું કે ‘અભી આઈ ના લાઈન પર’. પણ મારી આ ફિલ્મ જનરેશન ઝેડને પસંદ છે.’

જેકીએ નિર્માતા ન બનવાની સલાહ આપી

આ વ્લોગમાં, ફરાહ ખાન જેકી ભગનાનીને કહે છે, ‘જેકી,અમે પણ નિર્માતા બનવા માંગીએ છીએ. આનો જવાબ જેકી આપે છે, ‘નિર્માતા ન બનો.’ ફરાહ હસવા લાગે છે અને કહે છે, ‘હા, નિર્માતા ન બનો, કારણ કે પહેલા તેની (જેકી) દસ ફ્લોર હતા અને નિર્માતા બન્યા પછી ફક્ત પાંચ જ ફ્લોર છે.’