બ્રાઝિલ: એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ શુક્રવારે 62 લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રેશ થઈ ગયું. દુર્ઘટનાસ્થળે હાજર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક 62 લોકોને લઈ જતું ક્ષેત્રીય ટર્બોપ્રોપ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. બ્રાઝિલના વિનહેડોમાં હૈયું કંપાવનરી દુર્ઘટનાના સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશના વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અનિયંત્રિત વિમાન જમીન પર પડી જાય છે. ઘટનાની જાણ થતાં જ બચાવકર્મીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.
આ વિમાન વોએપાસ લિનહાસ એરિયાઝ નામની એરલાઇન કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. વિમાન પરાના રાજ્યથી સાઓ પાઉલો જઈ રહ્યું હતું. વિન્હેડો નજીક આવેલા વેલિનહોસ શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનમાં કોઈ જીવીત બચ્યું નથી અને સ્થાનિક કોન્ડોમિનિયમ પરીસરમાં આવેલું એક મકાન પણ આ વિમાન દુર્ઘટનાની લપેટમાં આવી ગયું હતું.
એરલાઇન વોપાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે સાઓ પાઉલોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગ્વારુલહોલ માટે ઉડાન ભરનારું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં 58 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સના સભ્યો હતા. જોકે હજુ સુધી આ વિમાન દુર્ઘટના કેમ સર્જાઈ તેનું કારણ સામે આવી શક્યું નથી.