અમદાવાદ શહેરમાં નવરાત્રિનો ઉત્સવ માત્ર રાસ-ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ તે માતૃશક્તિની આરાધના અને આસ્થાનું મહાપર્વ છે. નવરાત્રિના પહેલા દિવસથી જ શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક ભદ્રકાળી મંદિર અને માધુપુરાના શ્રી અંબાજી માતાજી મંદિર સહિતના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શન અને પૂજા-અર્ચના માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
ખાસ કરીને નવરાત્રિની આઠમ (મહાઅષ્ટમી) અને નોમના વિશિષ્ટ દર્શનનું અનેરું ધાર્મિક મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. આ પવિત્ર દિવસોમાં શહેરના ભદ્રકાળી મંદિર, બહુચરાજી મંદિર અને દૂધેશ્વર સ્થિત મહાકાળી મંદિર સહિતના તમામ જાણીતા મંદિરોની બહાર દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. ભદ્રકાળી મંદિરની જો વાત કરીએ તો, આઠમના દિવસે મોડી રાત સુધી ભક્તો ભારે આસ્થા સાથે માતાની આરાધના કરતા જોવા મળ્યા હતા.

બીજી તરફ, અમદાવાદની સાચી ઓળખ સમાન જૂના શહેરની પોળોમાં પણ પરંપરાગત ઉજવણીનો માહોલ જીવંત રહ્યો હતો. રાયપુર વિસ્તારમાં આવેલી આકા શેઠ કુવાની પોળના માતાજીના મંદિરમાં અંદર ભક્તો દ્વારા પૂજા-અર્ચના ચાલુ હતી.

જ્યારે બહાર ઓટલે શુદ્ધ પરંપરાગત શરણાઈ અને ઢોલ વાદ્યના સૂર સાથે નવરાત્રિની આઠમની વિશિષ્ટ આરાધના થતી જોવા મળી હતી, જેણે વાતાવરણને પ્રાચીન ગરબાની યાદ અપાવી દીધી હતી.

આ ઉપરાંત, આખા શહેરની ગલીઓ, મહોલ્લાઓ અને વિવિધ સોસાયટીઓમાં પણ આઠમ નિમિત્તે માતાજીની વિશિષ્ટ આરતી, સુંદર શણગાર, આકર્ષક વેશભૂષા અને નવચંડી યજ્ઞોના ભવ્ય આયોજનો પણ થયા હતા. શહેરની ઘીકાંટા પાસે આવેલી નવતાડની પોળમાં પણ આધુનિક ડીજેના ઘોંઘાટથી દૂર રહીને તદ્દન ધાર્મિક પરંપરા અને રીતિ-રિવાજ પ્રમાણે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)






