અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ભારતીય શેરબજારમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. મોંઘા ક્રૂડ ઓઇલ, બેન્કિંગ શેરોમાં વેચવાલી અને નબળા વૈશ્વિક સંકેતોની અસર બજારના કારોબાર પર જોવા મળી હતી. મુખ્ય સૂચકાંકો લગભગ સવા ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. સ્મોલકેપ અને મિડકેપ સૂચકાંકો એક-એક ટકા ઘટીને બંધ થયા હતા.
નિફ્ટી 257 પોઇન્ટ ઘટીને 22,888 પર બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન તે ઘટીને 22,845 સુધી પહોંચ્યો હતો. જ્યારે સેન્સેક્સ 876 પોઇન્ટ તૂટીને 73,852 પર બંધ થયો હતો. બજારમાં સૌથી વધુ વેચવાલી નાણાકીય સેવાઓ, એફએમસીજી અને આઈટી શેરોમાં જોવા મળી હતી. જોકે સરકારી બેન્કોના શેરોમાં જોરદાર ખરીદી નોંધાઈ હતી. તેને કારણે એનએસઈનો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 2.46 ટકા વધીને બંધ થયો હતો.
એચએસટી વેલ્થના સ્થાપક અને સીઈઓ હરિસેલ્વન રાધાકૃષ્ણનના જણાવ્યાનુસાર સ્થાનિક બજારમાં દબાણનું મુખ્ય કારણ સપ્તાહના અંતે જાહેર થયેલા બેન્કોનાં પરિણામો પ્રત્યે રોકાણકારોની પ્રતિક્રિયા હતી. નફામાં વધારો થયો હોવા છતાં રોકાણકારોનું ધ્યાન નફાના માર્જિન પરના દબાણ, વધતા સંચાલન ખર્ચ અને રોકાણ તથા ટ્રેડિંગમાંથી થતી ટ્રેઝરી આવકમાં નબળાઈ પર રહ્યું હતું. તેને કારણે એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને અન્ય ખાનગી બેન્કોના શેરોમાં વેચવાલી થઈ હતી.
તાજેતરમાં જોરદાર તેજી નોંધાવ્યા બાદ આઈટી શેરોમાં પણ ઘટાડો થયો હતો. અમેરિકાની ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર કંપનીઓના શેરોમાં નબળાઈને કારણે વેપારીઓએ નફો બુક કર્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 108.50 ડોલર પર ટકી રહેવું ભારતીય બજાર માટે મોટો પડકાર છે. કાચા તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં નરમાઈ આવે તો વિદેશી રોકાણ પાછું ફરવા માટેનું વાતાવરણ સુધરી શકે છે. તેનાથી વધુ ક્ષેત્રોમાં ખરીદીનો વ્યાપ વધવાની પણ શક્યતા છે.
બજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ અગ્રણી એચડીએફસી બેંકના શેરોમાં 2 ટકાનો ઘટાડો રહ્યો હતો. સપ્તાહના અંતે જાહેર થયેલા બેંકના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો બાદ ચોખ્ખા વ્યાજ માર્જિન (NIM) પર દબાણ અને કમાણીમાં ધીમી વૃદ્ધિને લઈને રોકાણકારોની ચિંતા વધી હતી.

નબળા વૈશ્વિક સંકેતો
વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા નબળા સંકેતોની અસર ભારતીય બજાર પર સ્પષ્ટ જોવા મળી હતી.અમેરિકન બજારો: શુક્રવારે અમેરિકાના બજારોમાં એઆઈ ટેક્નોલોજી શેરોમાં વેચવાલી અને કાચા તેલના ભાવમાં ઉછાળાને કારણે મોટો ઘટાડો નોંધાયો હતો.






