નેહા બોરાનો દિલ્હી પોલીસની કાર્યવાહી વિરુદ્ધ હાઈકોર્ટમાં પડકાર

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન (AISA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાએ દિલ્હી પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી કારણદર્શક નોટિસ સામે દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. નવી દિલ્હીના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) દ્વારા જારી કરાયેલી આ નોટિસમાં ‘શાંતિ જાળવવા’ને નામે નેહા બોરાને રૂ.10,000નાં શાંતિ બોન્ડ અને જામીનની રકમ જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. AISAનાં અધ્યક્ષે આ નોટિસને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવીને તેને તાત્કાલિક રદ કરવાની માગ કરી છે.

રજાઓ વચ્ચે તાત્કાલિક સુનાવણી માટે અપીલ

દશેરાની રજાઓને કારણે આ અઠવાડિયે દિલ્હી હાઈકોર્ટમાં રજા ચાલી રહી છે. તેમ છતાં, નેહા બોરાની કાનૂની ટીમ આ મામલે તાત્કાલિક સુનાવણીની માગ કરવાની તૈયારી કરી રહી છે. આ ટીમમાં વકીલો અભિક ચિમની, પ્રાંજલ અબ્રોલ અને મોક્ષનો સમાવેશ થાય છે. તેઓ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ મામલો રજૂ કરીને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરશે. વકીલોની ટીમ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ની કોર્ટમાં પણ હાજર થઈને આ નોટિસનો ઔપચારિક જવાબ દાખલ કરશે અને હાઈકોર્ટમાં કરવામાં આવેલા કાનૂની પડકાર વિશે કોર્ટને જાણ કરશે.

શું છે મામલો?

16 ઓક્ટોબરે CJP દ્વારા આયોજિત ‘લહેરા દો તિરંગા’ માર્ચમાં ભાગ લેવા જઈ રહેલાં નેહા બોરાને દિલ્હી પોલીસે સાવચેતીના પગલારૂપે અટકાયતમાં લીધાં હતાં. ત્યાર બાદ 17 ઓક્ટોબરે ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. મુક્તિના એક દિવસ પછી, 18 ઓક્ટોબરે દિલ્હી પોલીસે નેહા બોરાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126/130 અને કલમ 135(3) હેઠળ નોટિસ આપી હતી. 17 ઓક્ટોબરની તારીખ ધરાવતી આ નોટિસમાં તેમને 19 ઓક્ટોબરે બપોરે બે વાગ્યે નવી દિલ્હીના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) સમક્ષ હાજર થઈને રૂ.10,000નો શાંતિ બોન્ડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

શું છે BNSSની કલમ 126?

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126 હેઠળ જો કોઈ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ને વિશ્વસનીય માહિતી મળે કે કોઈ વ્યક્તિ શાંતિનો ભંગ કરી શકે છે, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે જોખમ ઊભું કરી શકે છે, તો તે વ્યક્તિને નિશ્ચિત સમયગાળા માટે શાંતિ જાળવવા બોન્ડ ભરવાનો આદેશ આપી શકે છે.