દિલ્હી-NCRમાં પ્રદૂષણ વધતાં GRAP-1ના પ્રતિબંધો લાગુ

નવી દિલ્હીઃ હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યા બાદ CAQMએ બુધવારે દિલ્હી-NCRમાં GRAP હેઠળના પ્રથમ તબક્કાના પગલાં લાગુ કર્યાં છે. CAQMએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 20 ઓક્ટોબરે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 179 હતો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. જોકે 21 ઑક્ટોબરે બપોરે બે વાગ્યે તે વધીને 244 થઈ ગયો હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે.

આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે હવામાન વિભાગ (IMD) અને ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજી’ની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ AQI ‘ખરાબ’ શ્રેણીમાં રહેવાની શક્યતા છે.GRAP-1 હેઠળ અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. તેમાં હોટેલ, રેસ્ટોરાં અને ખુલ્લી જગ્યાએ ખાણીપીણીનો વ્યવસાય કરતાં સ્થળોએ તંદૂરમાં બળતણ તરીકે કોલસા અને લાકડાના ઉપયોગ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડીઝલ જનરેટરનો ઉપયોગ માત્ર કટોકટી અથવા અત્યંત જરૂરી પરિસ્થિતિઓમાં જ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આગામી બે દિવસ પણ હવાની ગુણવત્તા ખરાબ રહેવાની શક્યતા

અધિકારીઓના જણાવ્યાનુસાર દિલ્હીના હવા ગુણવત્તા સૂચકાંક (AQI)માં સતત વધારો નોંધાઈ રહ્યો છે.  હવામાન વિભાગ (IMD) અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા (IITM)ની આગાહીમાં પણ આગામી બે દિવસ સુધી હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બાંધકામ સ્થળો અને કચરો બાળવાની ઘટનાઓ પર નજર રખાશે

GRAP-1 લાગુ થયા બાદ બાંધકામ સ્થળો પરથી ઊડતી ધૂળને નિયંત્રિત કરવા માટે દેખરેખ વધારવામાં આવશે. આ ઉપરાંત, ખુલ્લામાં કચરો બાળવાની ઘટનાઓ પર પણ નજર રાખવામાં આવશે. પ્રદૂષણ ઘટાડવા માટે સંબંધિત એજન્સીઓએ જરૂરી પગલાં ભરવાં પડશે. વહીવટી તંત્રે નાગરિકોને પણ GRAP-1ના દિશાનિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. લોકોને શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવા અને જાહેર પરિવહનને પ્રાથમિકતા આપવાની સલાહ આપવામાં આવી છે.

AQI 201થી 300ની વચ્ચે હોય તો હવા ખરાબ ગણાય છે

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના માપદંડો અનુસાર AQI શૂન્યથી 50ની વચ્ચે હોય તો હવા ‘સારી’, 51થી 100ની વચ્ચે ‘સંતોષકારક’, 101થી 200ની વચ્ચે ‘મધ્યમ’, 201થી 300ની વચ્ચે ‘ખરાબ’, 301થી 400ની વચ્ચે ‘અતિશય ખરાબ’ અને 401થી 500ની વચ્ચે ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.