પરિમલ નથવાણીની G.S.F.A.ના અધ્યક્ષ તરીકે પુનઃવરણી

અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (F.S.F.A.)ની 47મી વાર્ષિક સાધારણ સભા (A.G.M.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ, રાજ્યસભાના સભ્ય અને R.I.L.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી. મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત તથા ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી. આ ઉપરાંત સંદીપ દેસાઇની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી, જ્યારે અંકિત પટેલની વરણી માનદ્ ખજાનચી તરીકે કરવામાં આવી.આ પ્રસંગે G.S.F.A.ના અધ્યક્ષ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતના યુવા ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો જે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમના અનુશાસનનો પૂરાવો છે.” તેમ તેમણે ઉમેર્યું હતું કે, “2024-25 દરમિયાન 26 વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કુલ 1,168 મેચ રમવામાં આવી અને 6,468 ગોલ નોંધાયા. A.I.F.F.ના C.R.S. અન્વયે ગુજરાતમાં કુલ 7,400 જેટલા સક્રિય ખેલાડીઓ છે. જેમાંથી 4,836એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.”અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો, ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ સુરતને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ રાજકોટને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને મળ્યો હતો. A.R.A. ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના S.A., વડોદરાને G.S.F.A.ની બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા.વ્યક્તિગત કેટેગરીમાં, ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં પ્રતિક બજાજને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં ફેલસીના મીરાન્ડા અને પુરુષ કેટેગરીમાં સલીમ પઠાણને ફાળે ગયો. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી નાઝબાનુ શેખ અને કિશન સિંહને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં તન્વી માલાણી અને પુરુષ કેટેગરીમાં અમન શાહને અપાયો હતો.