રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં હવે વાલીઓએ પુરા વસ્ત્ર પહેરીને પોતાના સંતાનને તેડવા માટે આવવું પડશે. શહેરની સ્વનિર્ભર શાળાએ વાલીઓના પહેરવેશને લઇ ટકોર કરી છે. બાળકોને શાળાએ મુકવા આવતા માતા-પિતાને શિસ્તબંધ કપડા પહેરવા સૂચન કર્યું છે. વહેલી સવારે શાળામાં બાળકોને મુકવા આવતા વાલીઓને બરમૂડા કે નાઇટડ્રેસ ન પહેરવા સૂચના આપવામાં આવી છે. સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં આ મુદ્દાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં તમામ ખાનગી શાળામાં નિયમ લાગુ કરવામાં આવશે.
શાળાએ સંસ્કારોનું ધામ છે, શિક્ષણનું મંદિર છે ત્યારે વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વનો ભાગ ભજવતી રાજકોટની શાળાઓમાં વાલીઓએ પણ શિસ્તમાં જ રહેવું પડશે. વાલીઓ હવે ટૂંકા વસ્ત્ર પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે. રાજકોટ શાળા સંચાલકોએ નિયમો બનાવ્યા છે. શાળા એક મંદિર છે જ્યાં નાઈટ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય તેમ સંચાલકોએ જણાવ્યું હતું. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે જ કેમ્પસમાં આવવા પર વાલીઓને તાકીદ કરવામાં આવી હતી. રાજકોટ શહેરની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે. શિસ્ત ભંગ કરતા કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે, તેમ શાળા સંચાલકોએ જણાવ્યું હતું.