આતંકવાદીઓને આશરો આપવાની વાત પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કબૂલી

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા ઘાટકી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધી રહ્યું છે, ત્યારે પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કબૂલ કર્યું છે કે તેમનો દેશ ભારત સામે આતંકવાદીઓને ટેકો આપે છે, એમ અહેવાલ કહે છે આ નિવેદનની એક વિડિયો ક્લિપ પણ વાઇરલ થઈ રહી છે.

સંરક્ષણ મંત્રી સ્કાય ન્યૂઝની યાલદા હકીમ સવાલ કર્યો હતો કે શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાને આતંકવાદી સંગઠનોને ટેકો આપ્યો છે, તેમની તાલીમ આપી છે અને ફંડિંગ પણ કર્યું છે?
એના જવાબમાં ખ્વાજા આસિફ કહે છે  કે હા, અમે ગયા ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમ દેશો માટે  જેમાં બ્રિટન પણ સામેલ છે, આ ગંદું કામ કરતા આવ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું હતું  કે જો અમે સોવિયત સંઘ વિરુદ્ધના યુદ્ધમાં અને ત્યાર બાદ 9/11 પછીના યુદ્ધમાં સામેલ ન થયા હોત તો પાકિસ્તાનનો રેકોર્ડ નિર્દોષ હોત. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઘણાં વર્ષોથી આતંકવાદી સંગઠનોને આશરો આપતું આવ્યું છે.

બીજી બાજુ, ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ખૂબ જ કડક પગલાં લીધાં છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિ પણ રોકી દીધી છે. PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિશ્વાસ આપ્યો છે કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ તેમ જ તેની માટે કાવતરું રચનારાઓને તેમની કલ્પના કરતાં મોટી સજા મળશે.