જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી બોલિવૂડ ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકો ફવાદ ખાનની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. હવે આ વિરોધ વચ્ચે, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાને પહેલગામ આતંકવાદી હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપીને દુઃખ વ્યક્ત કર્યું છે.
ફવાદે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી
અભિનેતા ફવાદ ખાને પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં પાકિસ્તાની અભિનેતાએ લખ્યું,”પહલગામમાં થયેલા જઘન્ય હુમલાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ ભયાનક ઘટનાના પીડિતો સાથે છે અને અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો માટે શક્તિ અને ઉપચાર માટે પ્રાર્થના કરીએ છીએ.”
ફવાદની ફિલ્મ ‘અબીર ગુલાલ’નો બહિષ્કાર કરવાની માંગ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે ફવાદ ખાનની આગામી ફિલ્મ ‘અબીર ગુલાલ’ની ટીકા થઈ રહી છે. ‘અબીર ગુલાલ’માં ફવાદ ખાન સાથે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સાથે, ફવાદ ખાન લાંબા સમય પછી બોલિવૂડમાં વાપસી કરી રહ્યો છે.
પરંતુ હવે આ આતંકવાદી હુમલા પછી, તેમની ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને તેનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. આ ફિલ્મને કારણે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ અભિનેત્રી વાણી કપૂરને પણ ટ્રોલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ફવાદ ખાનની કમબેક ફિલ્મ રિલીઝ પહેલા જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
