ટ્રોફી ‘ચોરવા’ બદલ મોહસિન નકવીને પાકિસ્તાન આપશે ગોલ્ડ મેડલ!

નવી દિલ્હીઃ એશિયા કપની ટ્રોફી ચોરવા બદલ પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ મોહસિન નકવીને દેશનું રાષ્ટ્રીય સન્માન ‘શહીદ ઝુલ્ફિકાર અલી ભૂટ્ટો એક્સિલન્સ ગોલ્ડ મેડલ’  મળવાનો છે. પાકિસ્તાનની વેબસાઇટ ધ નેશન મુજબ એશિયા કપ ટ્રોફી વિવાદ દરમિયાન લીધેલા તેમના ‘સાહસિક અને સિદ્ધાંત આધારિત વલણ’ માટે તેમને આ સન્માન આપવામાં આવશે.

આ સન્માન કરાચીમાં યોજાનારા એક સમારંભમાં આપવામાં આવશે. આ પ્રસંગે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અને ભુટ્ટોના પૌત્ર બિલાવલ ભૂટ્ટોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આયોજકોનું કહેવું છે કે નકવીનો નિર્ણય પાકિસ્તાનના ગૌરવની રક્ષા તરીકે જોવામાં આવી રહ્યો છે.

શું છે એશિયા કપ ટ્રોફી વિવાદ?

હાલમાં યોજાયેલા એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને કપ જીત્યો હતો. મેચ બાદ ટ્રોફી હેન્ડઓવર દરમિયાન ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના બાદ નકવીએ ટ્રોફી પાછી લઇ લીધી હતી, જેને કારણે સોશિયલ મિડિયામાં તેમની ભારે ટીકા થઈ હતી.

નકવીને કેમ મળ્યું રાષ્ટ્રીય સન્માન

પાકિસ્તાનના અનેક રાજકીય અને રમતગમત સંગઠનોએ નકવીના આ પગલાને ‘દેશના ગૌરવની રક્ષા’ તરીકે રજૂ કર્યો હતો. આ જ કારણે હવે તેમને આ રાષ્ટ્રીય સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરાચીમાં યોજાનાર આ સમારંભ પાકિસ્તાનના રમતગમત અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બનવાની શક્યતા છે.