પાકિસ્તાન ભારતના મિસાઇલ હુમલાઓ વચ્ચે ત્રણ બાજુથી ઘેરાયું

ઇસ્લામાબાદ: પાકિસ્તાન હાલ ત્રિપાંખિયા જંગમાં ફસાઈ ગયું છે. એકબાજુ ભારતના હવાઈ હુમલાઓની વચ્ચે પાકિસ્તાનને ડબલ ઝટકો મળ્યો છે. દક્ષિણ વઝિરિસ્તાન અને બલૂચિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાઓથી પાકિસ્તાનની સેના હચમચી ગઈ છે. તહરિક-એ-તાલિબાન પાકિસ્તાને (TTP એ) દક્ષિણ વઝિરિસ્તાનની ડાંગેટ ચોકી પર હુમલો કરીને 20 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજી તરફ, બલૂચ વિદ્રોહીઓએ બલૂચિસ્તાનમાં હુમલાઓ કરીને વધુ બે સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સિવાય, નૂર ખાન (રાવલપિંડી), રફીકી (શોરકોટ), અને મુરીદ (ચકવાલ) એરબેઝ પર ભારતના મિસાઇલ હુમલાઓએ પાકિસ્તાનને ત્રણ ફ્રન્ટ પર ઘેરી લીધો છે.

TTP એ દક્ષિણ વઝિરિસ્તાનની ડાંગેટ ચોકી પર ઘણા તબક્કામાં હુમલો કર્યો. આ હુમલાના પ્રથમ તબક્કામાં લેસર રાઈફલથી છ સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ચોકી પર ભારે અને હળવાં હથિયારોથી હુમલો થયો. આ હુમલા બાદ મંતોઈમાંથી મોકલાયેલી સૈન્ય સહાયતા પર ઘાત લગાડી હુમલો કરવામાં આવ્યો, જેમાં બે સૈનિક વાહનો નષ્ટ થઈ ગયાં. TTP એ દાવો કર્યો છે કે 20 સૈનિકો માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. પાંચ રાઈફલો, એક રોકેટ લોન્ચર, નાઈટ વિઝન સાધનો અને અન્ય સૈન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી. TTP એ પુષ્ટિ કરી છે કે તેમનો એક લડાકૂ મુસાબમાં માર્યો ગયો હતો.

બલૂચિસ્તાનમાં પણ હુમલાઓ

શુક્રવારની સાંજે બલૂચ વિદ્રોહીઓએ પણ બલૂચિસ્તાનના તુરબત, ક્વેટા અને અન્ય વિસ્તારોમાં હુમલાઓ કર્યા હતા. તુરબતના ડી બલૂચ વિસ્તારમાં ગ્રેનેડ હુમલા અને ક્વેટાના હઝારગંજી તથા ફૈઝાબાદમાં સૈન્ય ચોકીઓ પર હુમલાઓ થયા હતા. આ હુમલાઓમાં બે સૈનિકોનાં મોત થયાં હતાં. તે પહેલાં એક અઠવાડિયા પહેલાં ક્વેટામાં થયેલા IED હુમલામાં 10 સૈનિકો માર્યા ગયા હતા.