નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમકુમારને પરત કર્યો છે. પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા BSF કોન્સ્ટેબલને પરત મોકલી દીધો છે. તે છેલ્લા વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતો. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે દેશમાં પરત ફર્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને 23 એપ્રિલે પાકિસ્તાન પહોંચી ગયો હતો, ત્યાર બાદ તેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તે પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતો. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા જ દિવસે બની હતી. આ પછી, ભારતે સાત મેએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદી ઠેકાણાંઓ પર સચોટ હુમલા કર્યા હતા. પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો, જેનાથી તણાવ વધ્યો હતો. આવી સ્થિતિમાં, સાહુના પરિવારની ચિંતાઓ વધુ વધી ગઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ટેન્શન પ્રવર્તી રહ્યું હતું. બંને દેશો વચ્ચે મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલા પણ થયા હતા. આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો છે. જોકે યુદ્ધવિરામ પછી, હવે 14 મેએ BSF અને પાક રેન્જર્સે તેમના વિસ્તારોમાંથી પકડાયેલા સૈનિકોને શાંતિપૂર્ણ રીતે પરત કર્યા છે. ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરાયેલા BSF જવાનને પરત કરવામાં આવ્યો હતો. તે જ સમયે રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક BSF દ્વારા પકડાયેલા એક પાકિસ્તાની રેન્જર જવાનને પણ પરત સોંપવામાં આવ્યો છે.
