નવી દિલ્હીઃ ભારતીય એરફોર્સના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પાકિસ્તાન ગુસ્સામાં છે. સેના અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ છે, તેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસ્રી સાથે કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર રહ્યાં છે.
કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને પશ્ચિમ વિસ્તારમાં ભારે ગોળીબાર કર્યો છે. સાથે જ, વાયુસેનાએ ભારતના આદમપુર અને પઠાનકોટ એરબેસને નુકસાન પહોંચાડ્યું છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારે ક્ષમતા ધરાવતા મિસાઇલ હુમલાઓ કર્યા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનનાં અનેક સૈનિક ઠેકાણાં ધ્વસ્ત કરી નાખ્યા છે. તેમણે કહ્યું કે ભારતે સંતુલિત રીતે પાકિસ્તાની હુમલાઓનો જવાબ આપ્યો છે અને કોઈ નાગરિકોને નિશાન બનાવ્યા નથી.
પાકિસ્તાની સેનાએ શુક્રવારે પણ ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા, પરંતુ ભારતના એર ડિફેન્સ સિસ્ટમએ આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સીમા અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોનના અવશેષો જોવા મળ્યા છે. આ સ્થળોમાં બારામૂલા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જામ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જાટ્ટા, જૈસલમેર, બાડમેર, ભૂજ, કુઆરબેટ અને લાખી નાળા સામેલ છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ભારતે પોતાનાં 32 એરપોર્ટ્સ 15 મે સુધી માટે તાત્કાલિક રૂપે બંધ રાખવાની જાહેરાત કરી છે. એ સાથે સાથે સેનાએ જણાવ્યું છે કે અત્યાર સુધી અમે પાકિસ્તાનના દરેક હવાઇ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે અને અમે દુશ્મનની દરેક યોજનાને નિષ્ફળ બનાવીશું. સેનાએ પાકિસ્તાનના હુમલાની માહિતી આપવાની સાથે પોતાની કાર્યવાહી વિશેની વિગત પણ શેર કરી છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરાયેલા નિષ્ફળ અને ઉશ્કેરણીભર્યા ડ્રોન તથા મિસાઈલ હુમલા છતાં તેણે પોતાનું નાગરિક હવાઈ ક્ષેત્ર બંધ કર્યું નહોતું. પાકિસ્તાન નાગરિક વિમાનોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યો છે.
અમે ટેન્શન વધારવા નથી ઇચ્છતા, પણ પાકિસ્તાનની દરેક ખોટી હરકતોનો જવાબ આપીશું, એમ કર્નલ સોફિયા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચિંતાનો વિષય એ છે કે પાકિસ્તાન નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે, જેથી તે પોતાની પ્રવૃત્તિઓ છુપાવી શકે. પાકિસ્તાને ઘણા ખોટા દાવાઓ કર્યા છે, જે તમામ ખોટા છે. પાકિસ્તાને ફાઈટર વિમાનો દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનના જવાબમાં ભારતે સંરક્ષણરૂપે પ્રતિસાદ આપ્યો છે. કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઈલોથી પંજાબના એર બેઝ સ્ટેશનને ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનાં વિમાનોએ ભારતની અંદર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
