અમદાવાદની પાવી માલૂનું રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં સિલેક્શન

અમદાવાદ: 12 વર્ષીય વિદ્યાર્થિની પાવી માલૂએ CISCE નોર્થ વેસ્ટર્ન રિજનલ એથ્લેટિક્સ મીટમાં 600 મીટર રનિંગ સ્પર્ધામાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે આનંદ નિકેતન સ્કૂલ, શીલજમાં અભ્યાસ કરે છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં સુરતની એક સ્પર્ધકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે અમદાવાદની એક માત્ર સ્પર્ધક પાવી માલૂએ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.CISCE નોર્થ વેસ્ટ રિજનલ એથ્લેટિક મીટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગ્રાઉન્ડ, નિકોલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. CISCE રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે, જેમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને પાવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની તક મળી. પાવી આગામી 20 થી 23મી સપ્ટેમ્બર દરમિયાન હૈદ્રાબાદમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેશે.પાવીના માતા નેહા માલૂનું કહેવું છે કે, “તેણી એથ્લેટિક્સ અને બેડમિન્ટન બંન્નેની ટ્રેનિંગ લે છે. સાત વર્ષની ઉંમરથી તેણે બંન્નેની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. 9 વર્ષની ઉંમર સુધી પાવીએ એથ્લેટિક્સની ટ્રેનિંગ લીધી હતી. અત્યારે તેણી માત્ર બેડમિન્ટનની ટ્રેનિંગ લઈ રહી છે. એથ્લેટિક્સ માટેની મહેનત તેણી જાતે જ કર છે. આ માટે શાળા તરફથી પણ પાવીને ખુબ જ સપોર્ટ મળી રહ્યો છે.”શૈક્ષણિક અને એથ્લેટિક્સ બંનેમાં પાવીનું સમર્પણ, યુવા રમતવીરોને પ્રેરણા આપે તેવું છે. આ સિદ્ધિ તેણીની રમતગમતની સફરમાં સિમાચિન્હરૂપ છે.