મોદીની જીતની ઉજવણી અમેરિકાના 22 શહેરોમાં થશે

અમેરિકા: ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી(OFBJP)- અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. દેશની લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ તેમણે ભાજપના સ્વયંસેવકો, OFBJPના સ્વયંસેવકોને પણ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય જીતને વધાવવા માટે હાલ OFBJPએ અમેરિકાના જ્યોર્જિયા શહેરમાં ખાસ ઉજવણીનું આયોજન કર્યું છે.OFBJPનું માનવું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 11મા સ્થાનેથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આગામી સમયમાં નરેન્દ્ર મોદી દેશ અને વિદેશમાં વસતા ભારતીયો માટે વધુ સારા નિર્ણયો લેશે તેવી પણ તેમને આશા છે. OFBJP 8મી જૂનથી લઈને 16મી જૂન સુધી સમગ્ર યુ.એસ.એ.માં 22 જેટલાં શહેરોમાં વિજયોત્સવનું આયોજન કરી રહ્યું છે. જેના ભાગરૂપે એટલાન્ટા શહેરમાં આવેલા ઈમ્પેક્ટ હોલ, ગ્લોબલ મોલ, નોરક્રોસ, જ્યોર્જિયા ખાતે રવિવારે 9મી જૂન 2024ના રોજ વિજયની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ભારતીયો જોડાવવાના છે.