મુંબઈના સામાન્ય રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ નીચે અભ્યાસ કરવાથી લઈને અમેરિકામાં ડૉક્ટર ઓફ ડેન્ટલ મેડિસિન (DMD)ની પ્રતિષ્ઠિત પદવી મેળવવા સુધીની ડૉ. રિન્કી તન્નાની સફર સંઘર્ષ, અડગ વિશ્વાસ અને સફળતાની એક અદ્ભુત મિસાલ છે. આસપાસના વાતાવરણમાં ઉચ્ચ શિક્ષણનો ખાસ પ્રભાવ ન હોવા છતાં, પોતાના પરિવારમાંથી પ્રથમ ડૉક્ટર બનવાનું સપનું જોનાર રિન્કીબેને સામાજિક, ભાવનાત્મક અને આર્થિક પડકારો સામે સતત લડત આપીને આ સિદ્ધિ હાસિલ કરી છે.
સ્ટ્રીટ લાઈટથી શરુ થયેલો સંઘર્ષ
ડૉ. રિન્કીની કારકિર્દીનો પ્રારંભ ભારે મુશ્કેલીઓ વચ્ચે થયો હતો. યોગ્ય માર્ગદર્શનના અભાવ અને મર્યાદિત સંસાધનો છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહીં. કપરા સમયમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અભ્યાસ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી. જોકે આ લાંબી શૈક્ષણિક સફર માટે પરિવારને મનાવવો એક મોટો પડકાર હતો. છતાં તેમના માતા-પિત દીકરીની સંઘર્ષમાં lsvs પડખે ઊભા રહ્યા.
ભારતથી અમેરિકા સુધીની શૈક્ષણિક સફર
તેમણે ભારતમાં બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) પૂર્ણ કર્યું અને ત્યારબાદ પિડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રીમાં માસ્ટર્સ (MDS)ની પદવી મેળવી. પરંતુ, તેમનું લક્ષ્ય વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા મેળવવાનું હતું. આથી, તેઓ ડેન્ટિસ્ટ્રી ક્ષેત્રે એડવાન્સ તકો ઝડપવા અમેરિકા ગયા.
એક અજાણ્યા દેશમાં બધું નવેસરથી શરૂ કરવું બિલકુલ સરળ નહોતું. નવી સિસ્ટમમાં ગોઠવાવું, ઇમિગ્રેશન અને લાયસન્સ પ્રક્રિયાના કાયદાકીય અવરોધો પાર કરવા અને તેવામાં કોવિડ-૧૯ મહામારીની અનિશ્ચિતતા વચ્ચે ટકી રહેવું એ ખૂબ મોટો પડકાર હતો. પરિવારથી દૂર રહીને આશરે ૮ વર્ષના લાંબા સંઘર્ષ અને અત્યંત કઠિન એકેડેમિક ટ્રેનિંગ બાદ, તેમણે ‘UTHealth સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી’માંથી પ્રિસેપ્ટરશિપ પૂર્ણ કરી અને આખરે ‘નોવા સાઉથઈસ્ટર્ન યુનિવર્સિટી’માંથી ડૉક્ટર ઓફ ડેન્ટલ મેડિસિન (DMD)ની ડિગ્રી મેળવી સર્જન ડૉક્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
માનવસેવા અને હેલ્થકેરનું નવું વિઝન
ડૉ. રિન્કી માત્ર એક સફળ ડેન્ટલ કરિયર બનાવવા નથી માંગતા, પરંતુ તેમનું સપનું એજ્યુકેશન, ઇનોવેશન અને કરુણા સભર સારવાર દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. તેઓ બાળકો, વયસ્કો અને ખાસ કરીને વંચિત સમુદાયોની સેવા કરવા કટિબદ્ધ છે.
તેઓ એક Airway-focused dentist તરીકે આગળ વધવા માંગે છે. જેથી તેઓ દર્દીઓના માત્ર દાંતની જ સારવાર ન કરે, પરંતુ તેમના શ્વાસ લેવાની ક્ષમતા, ઊંઘ, આત્મવિશ્વાસ અને એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરીને તેમના જીવનની ગુણવત્તા (Quality of Life) ઉત્કૃષ્ટ બનાવી શકે.
ડૉ. રિન્કીના જીવનની આ સફળ સફર, તેમના પતિ સાગર તન્ના, માતા-પિતા, સાસુ-સસરા, અંકલ રમણિકભાઈ નથવાણી અને પરિવારના અઢળક સાથ-સહકાર, પ્રોત્સાહન અને અતૂટ વિશ્વાસ વિના ક્યારેય શક્ય ન બની શકત. પોતાની મહેનત અને સમર્પણથી ડૉ. રિન્કી તન્નાએ માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતી સમાજ અને ભારત દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)




