નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગે સરકાર દ્વારા પ્રસ્તાવિત એવાં બિલ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સરકારના પ્રસ્તાવિત નિર્ણયથી તમામ રિયલ મની ગેમ્સ, જેમાં સ્કિલ-બેઝ્ડ ગેમ્સ પણ સામેલ છે, અસરગ્રસ્ત થશે. ઉદ્યોગે કહ્યું છે કે સરકારનો આ નિર્ણય પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરે છે.
આ બિલ લાગુ થવાથી મોટા પાયે નોકરીઓનું નુકસાન અને કંપનીઓના બંધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગ સંગઠને ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને તરત જ હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે, જેથી ભારતના જવાબદાર ગેમિંગ પ્લેટફોર્મ્સની સુરક્ષા થઈ શકે.
શું છે ખતરો?
અહેવાલ મુજબ ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF), ઈ-ગેમિંગ ફેડરેશન (EGF) અને ફેડરેશન ઓફ ઈન્ડિયા ફેન્ટસી સ્પોર્ટ્સ (FIFS) એ સંયુક્ત પત્રમાં જણાવ્યું છે કે જો આ બિલ પસાર થયું તો બે લાખથી વધુ નોકરીઓ ખતમ થવાની આશંકા છે. 400થી વધુ કંપનીઓ બંધ થવાની સાથે-સાથે ભારતની ડિજિટલ ઈનોવેશનની સ્થિતિને નબળી પાડશે.
ઉદ્યોગે એ પણ કહ્યું છે કે આ પગલું એક કાનૂની અને ઝડપી વધતા ક્ષેત્ર માટે મોતની ઘંટડી સાબિત થશે, જે અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમાં ઓનલાઈન સ્કિલ ગેમિંગને એક ઊભરતા ક્ષેત્ર તરીકે બતાવવામાં આવ્યું છે, જેનું મૂલ્યાંકન બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉદ્યોગ દર વર્ષે 31,000 કરોડ રૂપિયાની આવક ઊભી કરે છે અને 20,000 કરોડ રૂપિયાથી વધુના કરનું યોગદાન આપે છે.
આ ક્ષેત્ર 20 ટકા વૃદ્ધિદરથી વિકસિત થઈ રહ્યું છે અને 2028 સુધી દસ ગણું થવાની અપેક્ષા છે. ભારતમાં ઓનલાઈન ગેમર્સની સંખ્યા 2020માં 36 કરોડ હતી, જે 2024માં 50 કરોડથી વધુ થઈ ગઈ છે, જ્યારે વિદેશી પ્રત્યક્ષ રોકાણ જૂન, 2022 સુધી 25,000 કરોડ રૂપિયા પાર કરી ચૂક્યું છે.
