સુરત: ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું.આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, “‘સુરત’ યુદ્ધ જહાજનું નામ ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર પરથી આપવામાં આવ્યું છે. સુરત તેના પ્રાચીન સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને શિપબિલ્ડિંગના વારસા માટે પ્રખ્યાત છે, ત્યારે નૌસેનાના આ પગલાંથી સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો છે.”
રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું કે, “ભારત પાસે ચાર જેટલા યુદ્ધ જહાજો છે, જે પૈકી INS સુરત જહાજ તમામ ટેકનોલોજીથી સજ્જ છે. સુરતના આંગણે જહાજ આવ્યું છે એ આપણા માટે ગૌરવની ક્ષણ છે.”
સામાન્ય લોકો માટે આ જહાજ નિહાળવા માટે પ્રવેશ વ્યવસ્થા નથી. તા.2 મે સુધી અદાણી હજીરા પોર્ટ પર આ જહાજને જોવા માટે માત્ર આમંત્રિતોને જ પ્રવેશ મળી શકે છે.
INS સુરત ક્રેસ્ટ(ચિહ્ન) પર હઝીરાનું લાઇટહાઉસ (1836માં બનેલું) અને એશિયાટિક સિંહ દર્શાવવામાં આવ્યા છે, જે ગુજરાતની વિરાસત અને નૌકાદળની શ્રેષ્ઠતાનું પ્રતીક છે. નવેમ્બર-2023ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત ખાતે ‘INS સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ કરાયું હતું.
મધ્યકાળમાં 16મી થી 18મી સદી દરમિયાન સુરત શહેર સમુદ્ર જહાજ નિર્માણ તેમજ સમુદ્ર વ્યાપારનું મોટું કેન્દ્ર હતું. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા. પ્રાચીન કાળમાં સુરતે દેશ-વિદેશમાં દરિયાઈ વ્યાપાર અને વ્યાપારી સંબંધો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. એટલે જ INS સુરતનું નામકરણ આ પ્રાચીન વિરાસત, ગૌરવભરી સ્મૃત્તિના માનમાં કરવામાં આવ્યું છે.
‘INS સુરત’ની વિશેષતા
યુદ્ધજહાજ ‘INS સુરત’નું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. જેના મહત્તમ ઉપકરણો, સંસાધનો સ્વદેશી છે. જે ‘આત્મનિર્ભર ભારત’ તેમજ મેક ઇન ઇન્ડિયા વિઝનને પ્રતિબિંબિત કરે છે. જહાજની લંબાઈ 167 મીટર, પહોળાઈ 17.4 મીટર અને વજન 7400 ટન છે. તે 30 નોટ્સ (56 કિમી/કલાકથી વધુ)ની ઝડપ ધરાવે છે. INS સુરત એન્ટી-સરફેસ, એન્ટી-એર અને એન્ટી-સબમરીન યુદ્ધમાં સક્ષમ છે. તે નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓ અને અદ્યતન સેન્સર્સ ધરાવે છે. આ જહાજ નૌકાદળના 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને સમાવી શકે છે. તે 16 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ (સર્ફેસ ટુ સર્ફેસ), 32 બરાક-8/MRSAM (સર્ફેસ ટુ એર)માં માર કરતી મિસાઇલ્સ, 76 એમએમ SRGM ગન, ચાર AK-630M નજીકના હથિયાર સિસ્ટમ, બે L&T ટ્વીન ટોર્પિડો લોન્ચર્સ અને બે L&T રોકેટ લોન્ચર્સ (એન્ટી-સબમરીન યુદ્ધ માટે) ચલાવવા માટે સક્ષમ છે. ખાસ કરીને અદ્યતન MF-STAR રડાર અને નેટવર્ક-સેન્ટ્રિક યુદ્ધ ક્ષમતાઓથી તેને સંપૂર્ણ સુસજ્જિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, ચેતક, ALH, સી કિંગ અને MH-60R જેવા હેલિકોપ્ટરોનું દિવસ-રાત સંચાલન કરી શકે છે, જેમાં રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ લેન્ડિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. ગત 15 જાન્યુઆરી-2025ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે INS નિલગિરિ અને INS વાઘશીર સાથે INS સુરત યુદ્ધજહાજને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
24 એપ્રિલ-2025ના રોજ INS સુરતે અરબી સમુદ્રમાં MRSAM (મિડિયમ રેન્જ સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ)નું સફળ પરીક્ષણ કર્યું હતું, જેમાં સમુદ્રની સપાટીથી નજીકથી આવતા લક્ષ્યને ચોકસાઈથી નષ્ટ કરવામાં આવ્યું હતું.
INS સુરત ભારતીય નૌકાદળનું વિશાખાપટ્ટનમ-શ્રેણી (પ્રોજેક્ટ 15B)નું ચોથું અને અંતિમ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રોયર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચોથા વોરશિપ તરીકે ગત વર્ષે ‘INS સુરત’નું નામકરણ કરાયું હતું. ગુજરાતના વાણિજ્યિક અને ઐતિહાસિક શહેર એવા સુરતના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવા માટે ઇન્ડિયન નેવી દ્વારા વોરશિપનું નામ ‘INS સુરત’ અપાયું છે.
(અરવિંદ ગોંડલિયા-સુરત)
