વિશ્વ પર ઓઇલ સંકટનું જોખમ

નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિસ્તારમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. શાંતિ વાટાઘાટોના પ્રયાસો વચ્ચે પણ ઈરાને જહાજોની અવરજવર મર્યાદિત કરી દીધી છે અને ભારતીય ધ્વજવાળાં જહાજો પર ગોળીબારની ઘટનાએ ચિંતા વધારી છે. ભારતીય નૌસેનાએ એડવાઇઝરી જાહેર કરીને જહાજોને સતર્ક રહેવા જણાવ્યું છે, જ્યારે આશરે 14 ભારતીય જહાજો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. આ તણાવની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે, જ્યાં ઓઇલના ભાવમાં તેજી નોંધાઈ છે.

અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ‘સળગી’ રહ્યું છે. એક તરફ બંને દેશો વચ્ચે શાંતિ ચર્ચાની વાત ચાલી રહી છે, તો બીજી તરફ ઈરાન સતત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાની દાદાગીરી બતાવી રહ્યું છે. ઈરાની શિપિંગ ડેટા મુજબ છેલ્લા 12 કલાકમાં હોર્મુઝમાંથી માત્ર ત્રણ જહાજો પસાર થઈ શક્યા છે. એ દરમિયાન પર્શિયન ગલ્ફમાંથી માત્ર એક ટેન્કર ‘નેરો’ બહાર નીકળ્યું છે, જ્યારે અન્ય બે જહાજોએ ગલ્ફમાં પ્રવેશ કર્યો છે.

ઈરાને ભારતીય જહાજોને બનાવ્યા નિશાન

આ પહેલાં ઈરાની નૌસેનાએ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય ધ્વજવાળાં બે જહાજો પર ગોળીબાર કર્યો હતો, જેને કારણે જહાજોને પોતાનો માર્ગ બદલવો પડ્યો. આ ઘટનાએ તણાવ વધુ વધાર્યો અને ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે.

સરકારે જાહેર કરી એડવાઇઝરી

ભારતીય ધ્વજવાળાં તમામ જહાજોને નવી ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પર્શિયન ગલ્ફમાં જ રહી લારક ટાપુ નજીક ન જાય. માત્ર નૌસેનાની મંજૂરી મળ્યા પછી જ આગળ વધે. ભારતીય નૌસેના તમામ ભારતીય જહાજોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે.

ઓઇલના ભાવમાં વધારોહોર્મુઝમાં ચાલી રહેલા તણાવની અસર ઓઇલની વૈશ્વિક કિંમતો પર પણ પડી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 7.9 ટકા વધીને 97.5 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા છે. જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) પણ લગભગ 8 ટકા વધીને 90 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયું છે.