હવે તમારો સ્માર્ટફોન ભૂકંપ આવતાં પહેલાં કરશે એલર્ટ 

નવી દિલ્હીઃ ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને તો રોકી શકાતી નથી, પરંતુ જો તેના આવવા પહેલા ચેતવણી મળી જાય તો જાન-માલનું નુકસાન અટકાવી શકાય છે. સામાન્ય રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ લોકોને કુદરતી આપત્તિઓ અંગે સતર્ક કરતી રહે છે, પરંતુ હવે તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ તમને ભૂકંપની ખબર આપી એલર્ટ કરશે. હા, Google એ એક એવું ફીચર લોન્ચ કર્યું છે, જે ભૂકંપની સ્થિતિ શોધીને તરત જ એલર્ટ મોકલે છે. હવે જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે…

જુલાઈથી આવ્યું આ ફીચર

એન્ડ્રોઇડમાં ભૂકંપ એલર્ટની શરૂઆત 2020માં થઈ હતી, જ્યારે ગૂગ એ આ ફીચરની જાહેરાત કરી હતી. ભારતમાં આ ફીચર આ વર્ષે જુલાઈમાં રોલઆઉટ થયું છે. કંપની કહે છે કે 2020માં લોન્ચ થયા પછીથી અત્યાર સુધી આ ફીચરે 2,000થી વધુ ભૂકંપ શોધ્યા છે. 2023માં તેણે ફિલિપિન્સમાં આવેલા 6.7 તીવ્રતાવાળા ભૂકંપનો પણ સફળતાપૂર્વક પત્તો લગાવ્યો હતો અને લગભગ 25 લાખ લોકોને એલર્ટ મોકલ્યા હતો। જોકે, કંપની કહે છે કે આ સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી, પરંતુ તેને વધુ સારું બનાવવા માટે સતત કામ ચાલી રહ્યું છે.

ફોનમાં ફીચર કેવી રીતે એક્ટિવેટ કરવું?

ઘણા નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ ફીચર પહેલેથી જ સક્રિય હોય છે. જો તમારા ફોનમાં આ ફીચર સક્રિય ન હોય તો તમારે થોડાં પગલાં લેવા પડશે:

  • તમારા ફોનના Settingsમાં જાઓ
  • Safety and Emergency વિભાગ ખોલો
  • અહીં Earthquake Alertને સિલેક્ટ કરી ટોગલ બટન ઓન કરો
  • ધ્યાન રાખો કે એલર્ટ મેળવવા માટે તમારે Location અને Internet Access સક્રિય રાખવા પડશે

તીવ્રતા મુજબ એલર્ટ

જો ભૂકંપની તીવ્રતા 4.5 આસપાસ હોય તો કંપની સાવચેતીવાળો એલર્ટ મોકલે છે, જ્યારે વધુ તીવ્રતાવાળા ભૂકંપ માટે યુઝરને તરત જ સુરક્ષિત સ્થળે જવા અને “કવર લેવા” (મજબૂત ટેબલ નીચે છુપાવા)નો એલર્ટ મોકલે છે.