કુખ્યાત નક્સલી કમાન્ડર હિડમા ઠાર, એક કરોડનું હતું ઈનામ

નવી દિલ્હીઃ કુખ્યાત નક્સલી હિડમા માર્યો ગયો છે. તેની પર એક કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતા માઓવાદી કમાન્ડર માડવી હિડમા (43)ને સુરક્ષા દળોએ આંધ્ર પ્રદેશમાં ઠાર કર્યો છે. હિડમા તે જ દહેશતનું નામ હતું, જેના પર ઓછામાં ઓછા 26 મોટા હુમલાઓનું માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ હતો. 43 વર્ષીય હિડમા 2013ના દરભા ઘાટી કાંડ અને 2017ના સુકમા હુમલા સહિત અનેક સશસ્ત્ર હુમલાઓ માટે જવાબદાર માનવામાં આવતો હતો.

આંધ્ર પ્રદેશ પોલીસના એક ઓપરેશનમાં માડવી હિડમા અને અન્ય પાંચ માઓવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ તેને અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લાના મારેદુમિલ્લીમાં ઠાર કર્યા. 1981માં છત્તીસગઢના સુકમા જિલ્લાના પુવર્તી વિસ્તારમાં હિડમાનો જન્મ થયો હતો. તે PLGA બટાલિયન નંબર વનનો વડો બન્યો હતો અને CPI (માઓવાદી)ની કેન્દ્રીય સમિતિનો સૌથી નાની વયનો સભ્ય પણ રહ્યો હતો.

હિડમા પર એક કરોડનું ઈનામ

હિડમા સાથે તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજક્કા પણ આ અથડામણમાં મારી ગઈ છે. હિડમા ઉર્ફે સંતોષ PLGA બટાલિયન નંબર વનનો કમાન્ડર હતો, જેને સૌથી ઘાતક માઓવાદી હુમલા વિભાગ માનવામાં આવે છે. તે CPI (માઓવાદી)ની કેન્દ્રીય સમિતિમાં બસ્તર વિસ્તારમાંથી એકમાત્ર આદિવાસી પ્રતિનિધિ હતો. તેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

હિડમા કયા-કયા હુમલાઓ માટે જવાબદાર હતો?

2010 દાંતેવાડા હુમલો: 76 CRPF જવાન શહીદ

2013 ઝીરમ ઘાટી હત્યાકાંડ: 27 લોકો માર્યા ગયા, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ સામેલ

2021 સુકમા–બિજાપુર હુમલો: 22 સુરક્ષા જવાનો શહીદ

આ ઉપરાંત હિડમાએ વર્ષો સુધી બસ્તર વિસ્તારમાં સૌથી ઘાતક માઓવાદી ઓપરેશનોનું નેતૃત્વ કર્યું હતું. હિડમાના મોતને સુરક્ષા એજન્સીઓ બસ્તરમાં માઓવાદી નેટવર્ક સામેની સૌથી મોટી સફળતા ગણાવી રહી છે.

ઓપરેશન અંગે DGP શું કહે છે?

આંધ્ર પ્રદેશના DGP હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે  અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેદુમિલ્લીમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક ટોચના માઓવાદી નેતા સહિત કુલ છ માઓવાદીઓ માર્યા ગયા છે. હાલમાં મોટા પાયે શોધખોળ કામગીરી ચાલુ છે.