નોર્થ કોરિયાના પ્રતિબંધિત ન્યુક્લિયર સેન્ટરના ફોટા પહેલીવાર સામે આવ્યા છે. આ યુરેનિયમ સંવર્ધન સ્થળ છે. જ્યાં મોટી સંખ્યામાં સેન્ટ્રીફ્યુજ લગાવવામાં આવ્યા છે. આ એક ખાસ મશીન છે, જે પરમાણુ બોમ્બ બનાવવા માટે સામગ્રી તૈયાર કરે છે. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તાજેતરમાં જ આ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ સિવાય જાપાનના સમુદ્રમાં 600 mm મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કિમ જોંગ ઉને આ સ્થળ સિવાય ન્યુક્લિયર વેપન ઈન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વેપન ગ્રેડ ન્યુક્લિયર મટિરિયલ બનાવવાનું કહ્યું છે. સાથે જ વૈજ્ઞાનિકોને કહ્યું છે કે ઉત્પાદિત પરમાણુ સામગ્રીની માત્રામાં વધારો કરો. જો કે આ પહેલીવાર છે જ્યારે ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમની તસવીરો સામે આવી છે.કિમ જોંગ ઉન જ્યાં ફરે છે તે જગ્યા પર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કિમ જોંગ સેન્ટ્રીફ્યુજની વચ્ચે ફરે છે. આ એ જ મશીનો છે જે યુરેનિયમને પરમાણુ બોમ્બ માટે યોગ્ય બનાવે છે. કિમ જોંગ ઉન આ જગ્યા પર ક્યારે ગયા તે જાહેર કરવામાં આવ્યું નથી. ઉપરાંત, આ સાઇટ દેશના કયા ભાગમાં છે? એ પણ જાહેર કરવામાં આવ્યું નથી. ઉત્તર કોરિયા પાસે ઘણી સંવર્ધન સાઇટ્સ હોવાનું માનવામાં આવે છે. સેટેલાઇટ ઇમેજ દ્વારા પણ આવા સેન્ટરો સામે આવ્યા છે. આ પૈકીનું મુખ્ય યોંગબ્યોન ન્યુક્લિયર સાયન્ટિફિક રિસર્ચ સેન્ટર છે.ઉત્તર કોરિયા પાસે લગભગ 50 પરમાણુ હથિયારો છે. પરંતુ તેની પાસે એટલી બધી પરમાણુ સામગ્રી છે કે તે તેમાંથી 70 થી 90 જેટલાં બીજા પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે. તે તેનો ઉપયોગ તેની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોમાં કરી શકે છે. આ મિસાઈલો અમેરિકા સુધી પહોંચવામાં સક્ષમ છે. આ સિવાય ઉત્તર કોરિયા સબમરીનથી લોંચ કરવામાં આવેલી મિસાઈલ પર પણ કામ કરી રહ્યું છે.
યુરેનિયમ એ કુદરતી રીતે બનતું કિરણોત્સર્ગી પદાર્થ છે. પરમાણુ બળતણ બનાવવા માટે, સામાન્ય યુરેનિયમને ખાસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ તે યુરેનિયમ-235 આઇસોટોપ બને છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી ચીફ રાફેલ ગ્રોસીએ કહ્યું કે યોંગબ્યોનમાં પરમાણુ સંવર્ધન સુવિધા સતત કામ કરી રહી છે.કિમ જોંગ ઉને ગુરૂવારે જાપાનના દરિયાકાંઠે 600 mm મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNA દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ રોકેટના પરીક્ષણ દરમિયાન કિમ જોંગ ઉન પોતે ત્યાં હાજર હતા. રોકેટોએ તેમના લક્ષ્યોને સફળતાપૂર્વક પાર કર્યા હતા. આ લક્ષ્યો જાપાનના સમુદ્રમાં નિર્ધારિત કરવામાં આવ્યા હતા.