નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે નવી દિલ્હીમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથેની વાતચીત બાદ જણાવ્યું હતું કે અમે એ બાબતે સહમત છીએ કે કોઈ પણ મુદ્દો માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા ઉકેલી શકાય નહીં.
તેમણે પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષોને “શીઘ્ર સમાપ્ત” કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ સૈન્ય અથડામણ દ્વારા શક્ય નથી. તેમણે મિડિયા માટે જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું હતું કે યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષોના વહેલા અંત અને શાંતિ માટે કરવામાં આવતા દરેક પ્રયાસને સમર્થન આપતા રહીશું.
ખડગેનો આરોપ — વડા પ્રધાને રાજકીય અને નૈતિક રીતે આત્મસમર્પણ કર્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ઈરાન યુદ્ધ સંબંધિત ઘટનાઓનો ઉલ્લેખ કરતાં આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય અને નૈતિક રીતે આત્મસમર્પણ કર્યું છે.
તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મોદી સરકાર દ્વારા ભારતના વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય હિતોની બેદરકારીપૂર્ણ અવગણના સૌના સમક્ષ છે. એક ઈરાની જહાજ ભારતનો મહેમાન હતો અને ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026માંથી નિશસ્ત્ર પરત ફરી રહ્યું હતું, પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં તેના પર હુમલો થયો. છતાં કોઈ ચિંતા અથવા શોક વ્યક્ત કરતું નિવેદન આવ્યું નથી. વડા પ્રધાન મોદી મૌન છે.
Modi Govt’s reckless abdication of India’s strategic & national interests is there for all to see.
1. An Iranian ship, a guest of India was returning, unarmed from the International Fleet Review 2026, hosted by us, and was torpedoed in the Indian Ocean Region (IOR).
No…
— Mallikarjun Kharge (@kharge) March 5, 2026
તેમણે વધુમાં કહ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં 1100 નાવિકો સાથે ભારતના ધ્વજવાળા 38 વેપારી જહાજ ફસાયા છે. કેપ્ટન આશિષકુમાર સહિત બે ભારતીય નાવિકોના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. સમુદ્રી બચાવ અથવા રાહત અભિયાન કેમ શરૂ કરવામાં આવ્યું નથી?
તેમણે જણાવ્યું હતું કે ખાડી વિસ્તારના દેશોમાં એક કરોડ ભારતીયો રહે છે. મેડિકલ વિદ્યાર્થીઓ મદદ માટે નિરાશાભર્યા વિડિયો સંદેશો જાહેર કરી રહ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે ભારત સરકાર તેમની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી રહી છે? અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કોઈ યોજના છે?




