કોઈ પણ બિલ ત્રણ મહિનાથી વધુ અટકાવવું ના જોઈએઃ SC

નવી દિલ્હીઃ છેલ્લાં ઘણાં વર્ષોથી રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચેના ઘર્ષણના કિસ્સા બન્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે તામિલનાડુના રાજ્યપાલ આરએન રવિને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલ ચૂંટાયેલી સરકારનાં બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકે નહિ. આ સંદર્ભમાં, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ અંગે પણ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

કોર્ટે કહ્યું છે કે કોઈ પણ બિલ ત્રણ મહિનાથી વધુ સમય માટે પેન્ડિંગ ન રહેવું જોઈએ. કોર્ટે એ વાત પર ભાર મૂક્યો હતો કે જો બિલ મંજૂર કરવામાં વિલંબ થાય છે, તો તેનું કારણ આપવું ફરજિયાત છે.

કોર્ટની આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે, કારણ કે બંધારણના અનુચ્છેદ 201માં રાજ્યપાલે બિલ પર કેટલા સમયમાં નિર્ણય લેવો જોઈએ એનો ઉલ્લેખ નથી. હવે કોર્ટે ચોક્કસ સમયમર્યાદા આપી છે, જે આવનારા અન્ય કેસ માટે મહત્વપૂર્ણ રહેશે.

જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવને કહ્યું હતું કે અમે એક વાત સ્પષ્ટપણે કહેવા માગીએ છીએ કે જો કોઈ બંધારણીય સત્તા સમય મર્યાદામાં પોતાની ફરજો નહીં નિભાવે તો કોર્ટ પણ શક્તિહીન નહીં રહે અને તેમાં હસ્તક્ષેપ કરશે. બેન્ચે કહ્યું હતું કે કલમ 201 પર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તણાવ રહ્યો છે, કોઈ પણ બિલ પસાર કરવા માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી, તેથી વિવાદો થતા રહે છે.

આ સુનાવણીમાં બેન્ચે સરકારિયા કમિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે બિલોને સમયસર મંજૂર કરવા માટે સમયરેખા નક્કી કરવી જરૂરી છે. ત્યાર બાદ પુંછી કમિશનમાં પણ આવાં જ સૂચનો આપવામાં આવ્યાં હતાં. કોર્ટની બેન્ચે ચુકાદામાં કહ્યું હતું કે જ્યારે બિલ પર ચર્ચા કરવાની હોય ત્યારે રાષ્ટ્રપતિ માટે સમયમર્યાદા નક્કી કરી શકાય નહીં, પરંતુ તેમ છતાં તેને રાષ્ટ્રપતિ પાટે નિષ્ક્રિય રહેવાનું કારણ માની શકાય નહીં.