બેરોજગાર ગ્રેજ્યુએટ યુવાઓને નીતીશ સરકારની ભેટ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં નીતીશ સરકારે બેરોજગાર યુવાઓને લલચાવવા માટે મોટો દાવ ચલાવ્યો છે. CM નીતીશકુમારે બેરોજગાર ગ્રેજ્યુએટ યુવકો અને યુવતીઓ માટે નવી યોજના જાહેર કરી છે. જેના અંતર્ગત 20થી 25 વર્ષની ઉંમરના એવા સ્નાતક યુવકો અને યુવતીઓને, જેમણે ના નોકરી મેળવી છે અને ના જ સ્વરોજગાર શરૂ કર્યો છે, તેમને દર મહિને 1000 રૂપિયા મળશે. આ ભથ્થું વધુમાં વધુ બે વર્ષ સુધી આપવામાં આવશે.

CM નીતીશકુમારે આ માહિતી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર શેર કરી છે. નીતીશકુમારે લખ્યું છે કે નવેમ્બર, 2005માં સરકાર બન્યા પછીથી જ યુવાઓને રોજગાર અને નોકરી આપવા પ્રાથમિકતા આપવામાં આવી છે. આવતાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે એક કરોડ યુવાઓને નોકરી અને રોજગાર અપાશે. આ દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને યુવાઓને કૌશલ્ય વિકાસનું તાલીમ પણ આપવામાં આવી રહ્યું છે.તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારનું માનવું છે કે જ્યાં સુધી યુવા અભ્યાસ અથવા તાલીમ દરમિયાન આત્મનિર્ભર નહીં બને, ત્યાં સુધી તેઓ નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે નહીં. આ જ વિચારસરણીને ધ્યાનમાં રાખીને અગાઉથી ચાલતી “મુખ્ય મંત્રી નિશ્ચય સ્વસહાય ભથ્થું યોજના”નો વિસ્તાર કરવામાં આવ્યો છે. પહેલાં આ યોજનાનો લાભ માત્ર ઇન્ટર પાસ બેરોજગાર યુવાઓને મળતો હતો, પરંતુ હવે તેનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે. હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્યમાં સ્નાતક પાસ બેરોજગાર યુવકો-યુવતીઓને પણ આ ભથ્થું મળશે.

બિહાર સરકારે જણાવ્યું છે કે આ યોજનાનો હેતુ યુવાઓને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે. ભથ્થું મળવાથી તેઓ પોતાના અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષા અને કૌશલ્ય તાલીમમાં આર્થિક સહાય મેળવી શકશે. CM નીતીશકુમારનું કહેવું છે કે આ પગલું રાજ્યને આત્મનિર્ભર અને રોજગારમૂલક બનાવવા માટે સરકારની દૂરદર્શી વિચારસરણીનો ભાગ છે.