કાશીમાં બાબાના દર્શન કરી નીતા અંબાણીએ ચાટની લિજ્જત માણી

મુંબઈ: જૂલાઈમાં અંબાણી પરિવારના ઘરે લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે નીતા અંબાણી ગઈકાલે એટલે કે 24 જૂને બાબા વિશ્વનાથને તેમના પુત્ર અનંત અંબાણીના લગ્ન માટે આમંત્રણ પત્ર આપવા માટે કાશી પહોંચ્યા હતાં.

નીતા અંબાણી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા, અહીં દર્શનની સાથે તેમણે પુત્ર અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ પત્ર પણ આપ્યું હતું. મંદિરની એક અલગ જ માન્યતા છે, તમને જણાવી દઈએ કે આ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાં આવે છે. આ મંદિર પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. મંદિરના મુખ્ય દેવતા વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર તરીકે ઓળખાય છે, જેનો અર્થ થાય છે બ્રહ્માંડનો રાજા. વાસ્તવમાં વારાણસી શહેરને કાશી પણ કહેવામાં આવે છે, તેથી જ આ મંદિરને કાશી વિશ્વનાથ મંદિર કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર, નીતા અંબાણીએ અહીં 1.5 કરોડ રૂપિયા ભેટમાં આપ્યા હતાં.

માતા અન્નપૂર્ણાને ખોરાક અને પોષણની દેવી તરીકે ઓળખવામાં આવે છે. તેમનું આ મંદિર વારાણસીના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. તમે પહેલાથી જ જાણો છો કે કાશી હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર શહેર છે. ત્યાં બધે મંદિરો દેખાય છે. તે મંદિરોમાંથી એક ખૂબ જ ખાસ અન્નપૂર્ણા દેવી મંદિર છે. આ મંદિરનું નિર્માણ 18મી સદીમાં મરાઠા પેશવા બાજીરાવે કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે માતા અન્નપૂર્ણા વાસ્તવમાં માતા પાર્વતીનું એક સ્વરૂપ છે. આ મંદિરમાં પણ નીતા અંબાણીએ 1 કરોડ રૂપિયાનો પ્રસાદ ચઢાવ્યો હતો અને દેવી માતાને લગ્નની કંકોતરી આપી આશીર્વાદ લીધા હતાં.

પૌરાણિક માન્યતા અનુસાર, સતીના શરીરનો એક ભાગ વારાણસીમાં પડ્યો હતો અને તે જ જગ્યાએ વિશાલાક્ષી મંદિરનું નિર્માણ થયું હતું. વારાણસીમાં છ પવિત્ર સ્થળો છે – પવિત્ર નદી ગંગા, વિશ્વનાથ મંદિર, વિશાલાક્ષી મંદિર, કાલા ભૈરવ મંદિર, ધુધરાજ ગણેશ મંદિર અને દંડપાણી શિવ મંદિર. વિશાલાક્ષી મંદિર આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે. અહીં આવતા ભક્તો માતા વિશાલાક્ષીનાં આશીર્વાદ મેળવવા માટે ચોક્કસ આવે છે. નીતા અંબાણીએ આ મંદિરમાં પણ દર્શન કરી લગ્નની કંકોતરી આપી હતી.

તો બીજી બાજુ બનારસમાં નીતા અંબાણીએ એક દુકાનની અંદર ચાટની પણ મજા માણી હતી. તેણીને ચાટનો સ્વાદ એટલો પસંદ આવી ગયો કે રસોયાને તેની રેસિપી પણ પૂછી લીધી. જેના જવાબમાં દુકાનદારે કહ્યું કે તેણે ઘણી બધી સામગ્રી ઉમેરી છે અને લોટનો પણ ઉપયોગ કર્યો છે. પછી નીતા અંબાણીએ જમતી વખતે ચાટના ખૂબ વખાણ કર્યા અને દુકાનદારે હાથ જોડીને વખાણનું સ્વાગત કર્યું. તેમજ નીતા અંબાણીએ દૂકાનદારને પણ લગ્નનું આમંત્રણ આપતાં કહ્યું લગ્નમાં આવવાનું છે હો…પાલકચાટ, રગડા પેટિસ અને ફાલૂદા બનાવવા.
બનારસની ગલીઓમાં ચાટનો આનંદ માણ્યા બાદ તેણીએ ઘાટ પર આરતીમાં પણ ભાગ લીધો હતો.