નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં ભાગેડુ જાહેર કરાયેલા નીરવ મોદીના ભાઈ નેહાલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના અધિકારીઓએ ભારત સરકારને માહિતી આપી છે કે નેહાલ મોદીની ધરપકડ શુક્રવાર, 4 જુલાઈ, 2025એ થઈ હતી. આ ધરપકડ ભારતની બે મહત્વપૂર્ણ એજન્સીઓ ED અને CBI દ્વારા કરવામાં આવેલી એક્સ્ટ્રાડિક્શન રિક્વેસ્ટને આધારે થઈ છે.
નેહાલ મોદી દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંથી એક પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં વોન્ટેડ છે. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે પોતાના ભાઈ નીરવ મોદીના કાળા ધનને સફેદ કરવા અને છુપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ED અને CBIની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નેહાલ મોદીએ અનેક શેલ કંપનીઓના માધ્યમથી વિદેશમાં મોટા પાયે રકમની ટ્રાન્સફર કરી હતી. તેનો ઉદ્દેશ છેતરપિંડીની કમાણી થયેલી રકમને ટ્રેકથી બહાર રાખવી.
નેહાલ મોદીની એક્સ્ટ્રાડિક્શન સંબંધિત સુનાવણી માટેની આગામી 17 જુલાઈ, 2025 નક્કી કરવામાં આવી છે. એ દિવસે અમેરિકાની અદાલતમાં સ્ટેટસ કોનફરન્સ થશે. અપેક્ષા છે કે નેહાલ મોદી આ દિવસે જામીન માટે અરજી કરશે, પરંતુ અમેરિકાના સરકારી વકીલ તેનો વિરોધ કરશે. ભારત સરકારનો પ્રયાસ છે કે નેહાલ મોદીને જલદી ભારત લાવવામાં આવે જેથી તેની સામે દેશના કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય.
