મુંબઈ: કાંદિવલીની આ હોસ્પિટલમાં કિડનીની સારવાર માટે નેફ્રોલોજી વોર્ડ કાર્યરત

મુંબઇના કાંદિવલીમા હવે કિડનીની કોઈપણ પ્રકારની સારવાર કરાવવી સરળ બનશે. ચેરિટેબલ સંસ્થા કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલ (KHM)માં કિડનીની સારવાર માટે નેફ્રોલોજી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

દાતાઓ અજય મહેતા અને ભુષણ મહેતાનું અભિવાદન કરતી વખતે રજનીકાંત ઘેલાણી, અવિનાશ પારેખ, બીજલ દત્તાણી, મહેશ શાહ અને ઉદય શાહ

કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલ (KHM)માં નેફ્રોલોજી વોર્ડનું ઉદઘાટન ગયા સોમવારે અજયભાઈ ચંપકલાલ મહેતા અને ભુષણ ચંપકલાલ મહેતાના હસ્તે થયું હતું. આ વોર્ડ શાંતાબેન ભોગીલાલ મહેતા ચેરિટી ટ્રસ્ટના સૌજન્યથી સ્થપાયો છે. આ પ્રસંગે કિડનીના સ્પેશ્યાલિસ્ટ-નિષ્ણાંત ડો. ઉમેશ ખન્ના હાજર રહ્યાં હતાં. જેઓ લાંબા સમયથી કેએચએમ સાથે સક્રિયપણે સંકળાયેલા છે.

અજય મહેતા, ભુષણ મહેતા, ડો. ઉમેશ ખન્ના, ડો. આકાશ શિંગાડા, ડો. નીતા સીંઘી, અવિનાશ પારેખ (વ્હીલચેરમાં) અને દાતા પરિવારના સભ્યો

ઉમેશ ખન્નાએ આપેલી માહિતી મુજબ હાલ 9 દર્દીઓની સારવાર થઈ શકે એવી વ્યવસ્થા છે, જોકે હોસ્પિટલમાં પેશન્ટસને રાખવાની અન્ય વ્યવસ્થા પણ છે. ડાયાલિસિસ માટે અલગ યુનિટ છે. અહી કિડનીની નાનામાં નાની સમસ્યાના ઈલાજથી લઈ સર્જરી સુધીની સુવિધા છે. ડો. આકાશ શિંગાડાએ કહ્યું હતું કે હાલ દર દસમાંથી એક વ્યકિતને કિડનીની સમસ્યા હોય છે. આ બિમારીનાં સંકેત વ્યકિતને વિવિધ માર્ગે મળતા હોય છે., કિતુ લોકો તેની ઉપેક્ષા કરે છે. 40ની ઉંમર બાદ પ્રત્યેક વ્યકિતએ દર છ મહિને ક્રિએટિનીની, યુરિનની તેમ જ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની ચકાસણી પણ કરાવવી જોઈએ. આ તપાસ અગમચેતીના પગલાં તરીકે ઉપયોગી બને છે.

આ નવી સુવિધાના દાતાઓએ હોસ્પિટલની સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે જાણીતી હસ્તીઓમાં અવિનાશ પારેખ, ડો. બિપીન દોશી, કેએચએમના પ્રેસિડન્ટ રજનીકાંત ઘેલાણી, કેઇએસના પ્રેસિડન્ટ મહેશ શાહ, ભરત દત્તાણી, બીજલ દત્તાણી, ઉદય શાહ, સહિત કેએચએમના ચીફ મેડિકલ ઓફિસર ડો. નીતા સિંઘી અને અન્ય ડોકટર્સ તેમ જ સિનીયર સ્ટાફ પણ હાજર હતા.

કાંદિવલી હિતવર્ધક મંડળ સતત આધુનિકીકરણ મારફત લોકોને ઉત્તમ મેડિકલ સવલતો આપી રહી છે, છેલ્લા અમુક વરસોમાં અહી એકથી એક મોર્ડન સવલતો શરૂ કરાતી રહી છે, તાજેતરમાં અહી કેથલેબ પણ કાર્યરત થઈ છે. કેએચએમ સોનાગ્રાફી તેમ જ સિટી સ્કેનની સુવિધા પણ ધરાવે છે.