નીરજ ચોપરાએ JSW સ્પોર્ટ્સ સાથે છેડો ફાડ્યો, પોતાની એથ્લીટ મેનેજમેન્ટ ફર્મ શરૂ કરી

નીરજ ચોપરાએ JSW સ્પોર્ટ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતાની એથ્લીટ મેનેજમેન્ટ કંપની શરૂ કરીને આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ JSW સ્પોર્ટ્સ સાથેની લગભગ દાયકા જૂની ભાગીદારીનો અંત લાવ્યો છે. તેમણે પોતાની એથ્લીટ મેનેજમેન્ટ કંપની, વેલ સ્પોર્ટ્સ શરૂ કરી છે.

નીરજ ચોપરા 2016 થી JSW સ્પોર્ટ્સ સાથે જોડાયેલા હતા, આ સમય દરમિયાન તેમની કારકિર્દી નવી ઊંચાઈએ પહોંચી છે. તેમના નિર્ણય અંગે 27 વર્ષીય ખેલાડીએ કહ્યું, “છેલ્લા દાયકામાં અમારી સફર વૃદ્ધિ, વિશ્વાસ અને સિદ્ધિઓથી ભરેલી રહી છે. JSW સ્પોર્ટ્સે તેમની કારકિર્દીને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, અને તેઓ હંમેશા તેમના સમર્થન અને દ્રષ્ટિકોણ માટે આભારી રહેશે.”

નીરજે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકરણના અંત સાથે તેઓ તે જ મૂલ્યોને તેમની કારકિર્દીના આગામી તબક્કામાં આગળ લઈ જઈ રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યા છે. JSW સ્પોર્ટ્સના CEO દિવ્યાંશુ સિંહે કહ્યું, “નીરજ સાથે કામ કરવું અમારા માટે એક અદ્ભુત અનુભવ રહ્યો છે. તેમની સફળતા શ્રેષ્ઠતા અને હેતુના અમારા સહિયારા દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. અમને અમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે અને તેમના ભવિષ્યના તમામ પ્રયાસોમાં તેમને શુભેચ્છા પાઠવું છું.”

નોંધનીય છે કે નીરજ ચોપરાએ 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ તેણે 2023 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વૈશ્વિક મંચ પર તેણે અનેક પોડિયમ ફિનિશ પણ કર્યા છે. નીરજ હવે આ વર્ષની એશિયન ગેમ્સ અને આગામી ઓલિમ્પિક ગેમ્સ પર નજર રાખી રહ્યા છે.