NCPએ 38 ઉમેદવારના નામ જાહેર કર્યા, અજીત પવાર બારામતીથી લડશે ચૂંટણી

મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી માટે NCP અજિત પવાર જૂથે 38 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી ખાસ વાત એ છે કે, તેમાં 95% વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં નવાબ મલિક અને તેમના પુત્રી સના મલિકના નામ સામેલ નથી. અજિત પવાર પોતે બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. નોંધનીય છે કે, નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન હોવાના આરોપ છે, જેથી ભાજપ તેમનો વિરોધ કરી રહ્યો હતો. આ ઉપરાંત યાદી પ્રમાણે યેવલાથી છગન ભુજબલ, આંબેગાંવથી દિલીપ વલસે પાટીલ, કાગલથી હસન મુશ્રીફ, પરલીથી ધનંજય મુંડેને ઉમેદવાર બનાવ્યા છે. અમરાવતી શહેરથી સુલભા ખોડકે, નવાપૂર ભરતથી ગાવિત, પાથરીથી નિર્મલા ઉત્તમરાવ વિટેકર અને મુંબ્રા કલવાથી નજીબ મુલ્લાને ટિકિટ મળી છે.માહિતી પ્રમાણે મહાયુતિમાં ભાજપ 152થી 155 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના 70 થી 80 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 52થી 54 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. અત્યાર સુધીમાં મહાયુતિમાં ભાજપે 99 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ શિવસેના (શિંદે જૂથ)એ પણ અત્યાર સુધીમાં માત્ર 45 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર) ગઠબંધનની સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે પણ મહાયુતિ પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. જો કે, શીટ શેરિંગને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ ફોર્મ્યૂલા સામે નથી આવ્યો. હાલમાં ભાજપના 103 ધારાસભ્યો છે. શિવસેના (શિંદે) પાસે 40 ધારાસભ્યો અને NCP (અજિત પવાર) પાસે 43 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.