નવી મુંબઈ: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથકને PM નરેન્દ્ર મોદીએ એક રંગદર્શી સમારોહમાં આજે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે આજે મુંબઈને મળેલા આ બીજા આંતરરાષ્ટ્રીય વિમાની મથકની સુવિધા સાથે મુંબઈની લાંબા સમયની પ્રતીક્ષા પૂર્ણ થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આ પ્રદેશને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં એક મોટી ભૂમિકા ભજવશે.
આ વિમાની મથકને ખુલ્લું મૂક્યા બાદ સંબોધન કરી રહેલા વડા પ્રધાને કહ્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથક એ એક એવો પ્રકલ્પ છે કે જે વિક્સિત ભારતની દ્રષ્ટિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. છત્રપતિ શિવાજી મહારાજની ધરતી ઉપર તેનું નિર્માણ થયું છે અને તેની ડિઝાઇન કમળના ફૂલની પ્રતિકૃતિ છે જે તેને સંસ્કૃતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક બનાવે છે. આ નવું વિમાની મથક મહારાષ્ટ્રના ખેડૂતોને સીધા જ યુરોપ અને મધ્ય પૂર્વના સુપર માર્કેટ સહિતના આંતરરાષ્ટ્રીય બજાર અને સપ્લાય ચેઇન સાથે જોડશે.
હવે ખેડૂતોના તાજા ફળફળાદી, શાકભાજી, ફૂલો તથા માછીમારોનાં ઉત્પાદનો ઝડપથી વિશ્વનાં બજારોમાં પહોંચવા સક્ષમ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ વિસ્તારના નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગો માટે આ આંતરમાળખું તેમના પરિવહનના ખર્ચને ઘટાડશે. તદુપરાંત રોકાણોમાં વૃદ્ધિને આકર્ષવા સાથે નવા ઉદ્યોગો અને સાહસોનું પ્રેરક બળ બનશે. આ નવા એરપોર્ટની સ્થાપના માટે તેમણે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકોને હાર્દિક અભિનંદન આપ્યાં હતાં.
नवी मुंबईतील नवीन विमानतळामुळे मुंबई महानगर प्रदेशातील संपर्क जोडणीचा विस्तार होईल आणि शहरी पायाभूत सोयीसुविधांनाही चालना मिळेल. आज या विमानतळाच्या फेज-1 चे उद्घाटन करून आनंद झाला. pic.twitter.com/1KCJ7FxdLd
— Narendra Modi (@narendramodi) October 8, 2025
વડા પ્રધાને એરપોર્ટમાં ઊભી કરાયેલી વિશ્વ કક્ષાની સુવિધાઓની મુલાકાત લઈ તેની સમીક્ષા કરી હતી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવૃત, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિન્જારાપુ, નાયબ મુખ્ય મંત્રીઓ અજિત પવાર, એકનાથ શિંદે, કેન્દ્રના નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહન અને અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર જિત અદાણી હતા.
NMIA ને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)ની પેટાકંપની મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) અને સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) વચ્ચે એક સીમાચિહ્નરૂપ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર-નિર્માણ વિઝનમાં એક મોટું પગલું રજૂ કરે છે, જે સરકારના વિકાસ ભારત 2047ના એજન્ડાને પ્રતિબિંબિત કરે છે.
