નવી દિલ્હીઃ બેંક કર્મચારી સંગઠનો પોતાની લાંબા સમયથી બાકી રહેલી માગોને લઈને આજે દેશવ્યાપી હડતાળ પર છે. બેંક કર્મચારીઓ લાંબા સમયથી સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જોકે ખાનગી ક્ષેત્રની બેંકો પર આ હડતાળની ખાસ અસર થવાની શક્યતા નથી, પરંતુ બેંક કર્મચારી યુનિયનો દ્વારા દેશવ્યાપી હડતાળના આહ્વાનને કારણે આજે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)નું કામકાજ અસર થવાની સંભાવના છે. આ હડતાળનો મુખ્ય હેતુ લાંબા સમયથી લંબિત પાંચ દિવસના વર્ક વીકની માગને તરત અમલમાં લાવવાનો છે.
બેંક કર્મચારીઓની હડતાળ પાછળનું કારણ શું?
હાલમાં બેંક કર્મચારીઓને રવિવાર સિવાય દર મહિને બીજો અને ચોથો શનિવાર રજા મળે છે. માર્ચ 2024માં થયેલા પગાર સુધારા કરાર દરમિયાન ભારતીય બેંક સંઘ (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે તમામ શનિવારે રજા જાહેર કરવાની સહમતી થઈ હતી. UFBUનું કહેવું છે કે RBI, LIC, GIC, શેરબજાર અને સરકારી કચેરીઓ પહેલેથી જ પાંચ દિવસના વર્ક વીકનું પાલન કરે છે, તો પછી બેંકોમાં એવું ન થવાનું કોઈ યોગ્ય કારણ નથી.

બેંક હડતાળથી કઈ સેવાઓ થશે અસરગ્રસ્ત?
રોકડ જમા, ઉપાડ, ચેક ક્લિયરન્સ અને પ્રશાસનિક કામકાજ જેવી સેવાઓ જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓમાં પ્રભાવિત થઈ શકે છે. તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા (BoB)નો સમાવેશ થાય છે.
23 જાન્યુઆરીએ થયું હતું હડતાળનું એલાન
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) નવ યુનિયનોની મુખ્ય સંસ્થા છે. 23 જાન્યુઆરીએ પાંચ દિવસના વર્ક વીકની માગને લઈને યુનિયન અને ચીફ લેબર કમિશનર વચ્ચે બેઠક થઈ હતી, પરંતુ કોઈ ઉકેલ ન નીકળતાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી.




