ઝાઈડસ કેડિલાની 3-ડોઝવાળી કોરોના-રસીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ ભારતની ઔષધ નિયામક સંસ્થાના નિષ્ણાતોની સમિતિએ ઝાઈડસ-કેડિલાની ત્રણ-ડોઝવાળી કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. સમિતિએ કહ્યું છે કે ઝાઈડસે તેની રસીના બે-ડોઝની થેરાપી માટે અધિક માહિતી પૂરી પાડવાની જરૂર છે. કેડિલા હેલ્થકેર લિમિટેડ નામક જેનેરિક દવા ઉત્પાદક કંપનીએ તેની કોરોના રસી ZyCoV-Dને મંજૂરી આપવા માટે ગઈ 1 જુલાઈએ રજી નોંધાવી હતી. આ રસીનો અસરકારકતાનો દર છે 66.6%. તેનું કહેવું છે કે તેની રસી 12-18 વર્ષની વચ્ચેની વયનાં બાળકો માટે પણ સુરક્ષિત છે.

ZyCoV-Dને ઈમર્જન્સી બાદ સંપૂર્ણ મંજૂરી મળશે એ પછી ભારતવાસીઓને કોરોના સામેના જંગમાં રસીનો પાંચમો વિકલ્પ પ્રાપ્ત થશે. અન્ય ચાર છેઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન, રશિયાની સ્પુટનિક-વી તથા મોડર્ના. ઝાઈડસ કેડિલાએ અગાઉ કહ્યું હતું કે તેની રસીને મંજૂરી આપવામાં આવશે એના બે મહિનાની અંદર તે રસી સપ્લાય શરૂ કરશે. કોવેક્સિન બાદ ZyCoV-D માત્ર બીજી જ સ્વદેશી કોરોના-વિરોધી રસી બનશે. ZyCov-D રસીને ભારત સરકારના બાયોટેક્નોલોજી વિભાગ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે. આ રસીને 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય ફ્રીઝર પણ રાખી શકાય છે.