અમદાવાદઃ ભારતવાસીઓને ટૂંક સમયમાં જ એક વધુ કોરોના-પ્રતિરોધક દવા/રસી મળી શકે છે. ભારત સરકાર રચિત સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ અમદાવાદ સ્થિત કેડિલા હેલ્થકેર લિમિટેડ (અથવા ઝાયડસ કેડિલા)ને એન્ટીબોડી કોકટેલ (ZRC-3308)ની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની પરવાનગી આપી છે. આ સમિતિએ આ માટે કેન્દ્ર સરકારને પોતાની ભલામણ કરી દીધી છે. ઝાયડસ ભારતની એકમાત્ર કંપની છે જેણે કોવિડ-19 દર્દીઓની સારવાર માટે મોનોક્લોનલ એન્ડીબોડી આધારિત કોકટેલ વિકસિત કર્યું છે. આ કોકટેલ કોરોનાવાઈરસ બીમારીના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર કરવા માટે છે. એન્ટીબોડી કોકટેલની તબીબી અજમાયશ કરવા દેવા માટે ઝાયડસ કેડિલાએ હાલમાં જ દેશની ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) પાસે પરવાનગી માગી હતી.
ઝાયડસ કેડિલાના જણાવ્યા મુજબ, આ બે મોનોક્લોનલ એન્ટીબોડીનું એક એવું કોકટેલ છે જે શરીરમાંના કુદરતી એન્ટીબોડીની નકલ કરે છે અને શરીરમાં રોગના ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે. ઝાયડસ હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડો. શરવિલ પટેલનું કહેવું છે કે હાલના સમયમાં આપણે કોરોનાનો સામનો કરવા માટે સુરક્ષિત અને વધારે અસરકારક સારવાર શોધવાની ખાસ જરૂર છે.