મુંબઈઃ કર્ણાટક રાજ્ય તથા દેશભરમાં હાલ ચાલી રહેલા હિજાબ વિવાદમાં ભૂતપૂર્વ અભિનેત્રી ઝાયરા વસીમે પણ ઝૂકાવ્યું છે. આ વિવાદમાં એણે પણ પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફત પોતાનાં વિચાર પ્રદર્શિત કર્યાં છે. એક નિવેદનમાં ‘દંગલ’ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મોની અભિનેત્રીએ લખ્યું છેઃ ‘ઈસ્લામમાં હિજાબ કોઈ પસંદગી કે વિકલ્પ નથી, પરંતુ કર્તવ્ય તરીકે ગણાય છે. તેથી જે મહિલા હિજાબ પહેરે છે એ પોતાનાં કર્તવ્યનું પાલન કરે છે. એણે કર્તવ્ય માટે આત્મસમર્પણ કરી દીધું છે.’
21 વર્ષીય ઝાયરાએ વધુમાં લખ્યું છે કે, હું કૃતજ્ઞતા અને વિનમ્રતા સાથે હિજાબ પહેરું છું એટલે એવી વ્યવસ્થાનો વિરોધ કરું છું જ્યાં મહિલાઓને એક ધાર્મિક કર્તવ્યનું પાલન કરતી અટકાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે. મુસ્લિમ મહિલાઓને કલંકિત કરવી અને એક એવી વ્યવસ્થા સ્થાપિત કરવી સંપૂર્ણપણે અન્યાય છે જેમાં તેમને શિક્ષણ અને હિજાબમાંથી એકનો ફેંસલો કરવાનું કહેવામાં આવે, અથવા એમાંથી એકને છોડી દેવાનું કહેવામાં આવે. મહિલા સશક્તિકરણના નામે જો આમ કરવામાં આવતું હોય તો એ બદતર છે અને એનાથી સાવ જ વિપરીત છે. દુઃખદ.’