નવી દિલ્હીઃ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે નોએડા મેટ્રો સ્ટેશન ખાતે હાજર થવાનું પોતાના પ્રશંસકોને આમંત્રણ આપીને જાહેર સ્થળે પોલીસ પરવાનગી વગર હજારો લોકોને ભેગા કરવા બદલ જાણીતા બોડી બિલ્ડર અને યૂટ્યૂબર ગૌરવ તનેજાની પોલીસે ગઈ કાલે ધરપકડ કરી છે. 36-વર્ષીય તનેજાનો ગઈ કાલે જન્મદિવસ હતો અને એની અનોખી રીતે ઉજવણી કરવા માટે એમણે પોતાના પ્રશંસકોને નોએડા મેટ્રો સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. આ આમંત્રણ એમણે ગયા શુક્રવારે જ સોશ્યલ મીડિયા મારફત આપ્યું હતું, પરંતુ મેટ્રો સ્ટેશને લોકોની ભીડ ખૂબ વધી ગઈ હતી અને ધક્કામુક્કીની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એટલે નોએડા પોલીસે ક્રિમીનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની કલમ-144નું ઉલ્લંઘન કરવા બદલ તનેજાની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નોએડામાં છેલ્લા કેટલાક દિવસોથી 144મી કલમ લાગુ છે જે અંતર્ગત પાંચ કે તેથી વધારે લોકોના એકત્ર થવા પર પોલીસે મનાઈ ફરમાવી છે.
ધરપકડ થયા બાદ પણ તનેજા સોશ્યલ મિડિયા પર છવાઈ ગયા છે. ફેસબુક અને ટ્વિટર પર ‘ફ્લાઈંગ બીસ્ટ’ નામે ઓળખાતા અને લાખોની સંખ્યામાં ફેન-ફોલોઈંગ ધરાવતા તનેજાએ ગઈ કાલે એમના પ્રશંસકોને નોએડા સેક્ટર-51 મેટ્રો સ્ટેશન પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. પોતાના ફેવરિટ યૂટ્યૂબરને મળવા માટે હજારો લોકો મેટ્રો સ્ટેશને પહોંચી ગયા હતા. આટલી બધી ભીડ વધી જશે એની ખુદ તનેજાને પણ કદાચ કલ્પના નહીં હોય. એમણે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે મેટ્રો ટ્રેનનો એક કોચ પણ બુક કરાવ્યો હતો. પોલીસને જાણ થતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 તથા 188 (જાણીજોઈને સરકારી આદેશનું ઉલ્લંઘન કરવું) અંતર્ગત કેસ નોંધી તનેજાની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે એમને જામીન પર છોડ્યા હતા. તનેજાના પરિવારમાં એમના પત્ની રિતુ રાઠી અને એક પુત્રી છે.
