અમરનાથમાં વાદળ ફાટવાથી 16નાં મોત, ત્રણ ઘાયલ

શ્રીનગરઃ શુક્રવારે સાંજે અમરનાથ ગુફાની પાસે વાદળ ફાટવાને કારણે મોદી દુર્ઘટના બની હતી. ગુફાની પાસે આવેલા ભારે પ્રવાહમાં કેટલાય શ્રદ્ધાળુઓ વહી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 16 લોકોનાં મોત થયાં છે અને ત્રણ જણ ઘાયલ થયા છે. જ્યારે હજી સુધી 40 લોકો લાપતા છે. લાપતા લોકોની શોધખોળમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાહત-બચાવ કાર્ય માટે દુર્ઘટના સ્થળે ITBP અને NDRFની ટીમો લાગેલી છે. સેનાએ અત્યાર સુધી 15,000 શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. NDRFના DG અતુલ કરવાલે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયાના સમાચાર છે અને 40ની આસપાસ લોકો લાપતા છે. શનિવારે સવારે બધા મૃતદેહોને બાલટાલ મોકલવામાં આવ્યા છે.

BSFના MI17 હેલિકોપ્ટરને સારવાર અને મૃતદેહોને તેમનાં ઘરો સુધી પહોંચાડવા માટે નીલગઢ હેલિપેડ અને બાલટાલથી BSF કેમ્પ શ્રીનગર સુધી કાર્યવાહીમાં લગાડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના પછી બાલટાલ બસ કેમ્પથી પહેલગામ તરફ શ્રદ્ધાળુઓને ઉપર ચઢતા રોકવામાં આવ્યા હતા. જોકે મોસમ સુધરતાં શ્રદ્ધાળુઓના એક જથ્થાને પહેલગામ તરફ મોકલવામાં આવ્યો હતો. આ દુર્ઘટના પછી પવિત્ર ગુફા ક્ષેત્રની પાસે ફસાયેલા મોટા ભાગના પ્રવાસીઓને પંજતરણી શિફ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ નીચલી અમરનાથ ગુફા સ્થળ પર વાદળ ફાટવાથી પ્રભાવિત ક્ષેત્રમાં બચાવ ઝુંબેશ જારી રાખી છે.